મુંબઇ : સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત બીસીસીઆઇ લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈને બુધવારે ઍવું કહ્યું હતું કે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને બેટ્સમેન લોકેશ રાહુલ કેસ બાબતે તેઓ ખુબ ઝડપથી પોતાનો નિર્ણય સંભળાવશે. ટીવી શો કોફી વીથ કરણમાં વિવાદાસ્પદ ટીપ્પણી કરવા મામલે વિવાદમાં સપડાયેલા લોકેશ રાહુલે બુધવારે લોકપાલ જૈન સમક્ષ હાજર રહીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, આ પહેલા હાર્દિકે મંગળવારે લોકપાલ સામે હાજરી પુરાવી હતી.
જસ્ટિસ જૈને આ વિવાદ મામલે બંનેને ગત અઠવાડિયે જ નોટિસ મોકલીને સુનાવણી માટે હાજર રહેવાનો નિર્દેશ કર્યો હતો. જસ્ટિસ જૈન આ બાબતે પોતાનો જે કંઇ પણ નિર્ણય હશે તે વિનોદ રાયની આગેવાની હેઠળની વહીવટદારોની સમિતિ (સીઅોઍ)ને પોતાનો રિપોર્ટ સોંપીને જણાવશે. અહેવાલો અનુસાર જસ્ટિસ જૈને જાતે જ ઍવું જણાવ્યું હતું કે રાહુલ અને હાર્દિક સુનાવણી માટે તેમની સામે હાજર થયા હતા અને તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો, હવે તેઅો આ મામલે પોતાનો ચુકાદો સંભળાવશે.