જયપુર : ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુરૂવારે રાજસ્થાન રોયલ્સ સામેના વિજયને પગલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાના નામની સાથે વધુ એક રેકોર્ડ જોડી દીધો છે. ધોની આઇપીએલના ઇતિહાસમાં 100 વિજય મેળવનારો પહેલો કેપ્ટન બનવાથી માત્ર એક વિજય દૂર હતો અને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે આ સિદ્ધિ મેળવી લીધી હતી.
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ મેચમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ પણ ધોનીના નામે જ છે. ભારતીય ટીમના આ માજી કેપ્ટને આઇપીએલમાં કુલ 166 મેચોમાં ટીમનું સુકાન સંભાળ્યું છે. જેમાંથી 100 મેચ જીતી છે. ધોનીની આગેવાનીમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાઇઝીંગ પુણે સુપર જાયન્ટ્સે મળીને 66 મેચ હારી છે અને એક મેચનું પરિણામ નથી આવ્યું. આઇપીએલમાં સર્વાધિકવાર સુકાન સંભાળવામાં 129 મેચમાં કેપ્ટનશીપ કરનારા ગૌતમ ગંભીર બીજા સ્થાને છે. તેણે 71 મેચ જીતી છે.
હાલના કેપ્ટનોમાં જોઇએ તો રોહિત શર્મા 94 મેચમાં 54 વિજય સાથે ત્રીજો સૌથી સફળ કેપ્ટન છે. તો વિરાટ કોહલીએ 102 મેચમાંથી 44 મેચ જીતી છે. આ આઇપીએલમાં જ મુંબઇની ટીમ ચેન્નઇને હરાવીને 100 મેચ જીતનારી પહેલી ટીમ બની હતી.બે વર્ષ આઇપીએલમાંથી બહાર રહેલી ચેન્નઇની ટીમ 95 વિજય સાથે બીજા ક્રમે છે.
આઇપીએલમાં સર્વાધિક વિજય મેળવનારા કેપ્ટન
ખેલાડી ટીમ કેપ્ટનશીપ જીત હાર
ધોની સીએસકે/પુણે સુપર જાયન્ટ્સ 166 100 65
ગંભીર કેકેઆર/દિલ્હી ડેરડેવિલ્સ 129 71 58
રોહિત મુંબઇ ઇન્ડિયન્સ 94 54 40
કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 102 44 58