કોલકાતા : આઇપીએલમાં શુક્રવારે રમાનારી કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મેચ પહેલા દિલ્હી કેપિટલ્સની ટીમને એક ફટકો પડ્યો છે. તેમના ઝડપી બોલર હર્ષલ પટેલને જમણા હાથમાં ફ્રેકચર થવાને કારણે તે આઇપીએલની બાકી બચેલી સિઝનમાં નહીં રમી શકે. ટીમના કોચ રિકી પોન્ટીંગે ગુરૂવારે મોડેથી આ માહિતી જાહેર કરી હતી.
કેકેઆર સામેની મેચની પૂર્વ સંધ્યાએ આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પોન્ટીંગે કહ્યું હતું કે 1લી એપ્રિલે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધની મેચમાં તેના જમણા હાથમાં ફ્રેકચર થયું હતું. અમને આ ઇજા અંગે જાણ થતાં થોડું મોડું થયું છે. તેના કેટલાક એક્સરે લેવાયા છે અને તે ત્રણ-ચાર અઠવાડિયા માટે ટીમ બહાર થયો છે, તેનો સીધો અર્થ એ થાય છે કે તે હવે ટૂર્નામેન્ટમાંથી જ આઉટ થઇ ગયો છે. અમારે તેના સ્થાને બીજા કોઇને શોધવો પડશે.
હર્ષલ પટેલે આ સિઝનમાં દિલ્હીની ટીમે છમાંથી બે મેચ જીતી છે. તેણે કેકેઆર વિરુદ્ધની ટાઇ મેચમાં 40 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી અને આ મેચ દિલ્હી સુપરઓવરમાં જીત્યું હતુ. તેણે મોહાલીમાં કિંગ્સ ઇલેવન સામેની મેચમાં 37 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી નહોતી. પોન્ટિંગે કહ્યું હતું કે ટોચના ક્રમનો મનજોત કાલરાને પણ હાથમાં હળવી ઇજા છે અને તેણે ફિટનેસ ટેસ્ટ આપવો પડશે.