મુંબઇ : મુંબઇ ઇન્ડિન્સની ટીમ સોમવારે અહીં વાનખેડે સ્ટેડિયમ પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનની એક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે બાથ ભીડશે ત્યારે તેમનો ઇરાદો છેલ્લી મેચમાં મળેલી હારને ભુલીને ફરી જીતના ટ્રેક પર પરત ફરવાનો હશે, જ્યારે વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ આરસીબીએ કિંગ્સ ઇલેવન પંજાબને છેલ્લી મેચમાં મોહાલી ખાતે હરાવ્યું તે પછી હવે તેમનો ઇરાદો જીતની પરંપરા જાળવી રાખીને મુંબઇને પણ તેના ઘરમાં પછાડવાનો રહેશે. આરસીબી પોતાની પહેલી છ મેચ હારી ચુક્યું છે અનેં સાતમી મેચમાં તેણે પંજાબને હરાવીને પોતાનો પહેલો વિજય મેળવ્યો છે.
હાલના સમયે મુંબઇની ટીમ 7 મેચમાં 4માં જીત અને 3 હાર સાથે પોઇન્ટ ટેબલમાં 8 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. જ્યારે સાત મેચમાં એક જીત સાથે આરસીબીની ટીમ સૌથી છેલ્લા 8માં નંબરે છે. પંજાબ સામેની મેચમાં બેંગ્લોરના બેટ્સમેન ફોર્મમાં પરત ફર્યા તે મુંબઇ માટે ચેતવણી સૂચક ઘંટડી સમાન છે. આ મેચમાં ડિવિલિયર્સે 38 બોલમાં નોટઆઉટ 59 રન ફટકારીને મેન ઓફ ધ મેચ રહ્યો હતો. પંજાબ સામે માત્ર બે વિકેટ ગુમાવીને લક્ષ્યાંક કબજે કરવાથી આરસીબીની ટીમ ઉત્સાહથી છલકાતી હશે.
બોલિંગમાં યજુવેન્દ્ર ચહલ સાત મેચમાં 11 વિકેટ લઇને ત્રીજા ક્રમે છે, આ ઉપરાંત ટીમ સાથે ડેલ સ્ટેન જોડાયો હોવાથી તેમની બોલિંગ પહેલાથી મજબૂત બની છે. મુંબઇ માટે ચિંતાની વાત કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ છે. જો કે ક્વિન્ટોન ડિ કોક સારા ફોર્મમાં છે. જ્યારે મિડલ ઓર્ડમાં કિરોન પોલાર્ડ અને હાર્દિક પંડ્યા સારી ભૂમિકા ભજવી રહ્યા છે. બોલરોએ પણ પોતાની ભુમિકા સારી રીતે નિભાવી છે.