હૈદરાબાદ : અહીંના મેદાન પર દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી તેની સાથે જ હૈદરાબાદ વતી આઇરપીએલમાં તેની 100 વિકેટ પુરી થઇ હતી. લાંબા સમયથી હૈદરાબાદની ટીમ સાથે જોડાયેલો ભુવનેશ્વર બે વાર પર્પલ કેપ પણ જીતી ચુક્યો છે. હાલમાં આઇપીએલમાં ભુવનેશ્વરના નામે 109 મેચમાં 125 વિકેટ બોલે છે અને તેની ઇકોનોમી રેટ માત્ર 7.26 અને એવરેજ 23.43 જેવી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 5/19નું રહ્યું છે.
તેણે મેચમાં પહેલી ઇનિંગ પુરી થઇ તે પછી કહ્યું હતું કે હૈદરાબાદ વતી 100 વિકેટ પુરી કરી તેનાથી હું સારું અનુભવી રહ્યો છું. જ્યારે તમે ઇજાને કારણે બહાર થાવ છો ત્યારે તે બાબત આકરી રહે છે. ભુવનેશ્વર કુમાર સતત બે સિઝન પર્પલ કેપ વિનર રહ્યો હતો અને તે પણ એક રેકોર્ડ જ છે. 2016માં તેણે 17 મેચમાં 23 તો 2017માં તેણે 26 વિકેટ ઉપાડી હતી. એટલું જ નહીં તે 2014 અને 2015માં પોતાની તે સમયની ટીમમાં ટોપ વિકેટ ટેકર રહ્યો હતો. ભુવનેશ્વરે આઇપીએલ કેરિયરની શરૂઆત 2008માં આરસીબી સાથે કરી હતી તે પછી 2011માં તે પુણેં વોરિયર્સ સાથે જોડાયો હતો અને 2014થી તે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જોડાયેલો રહ્યો છે.