હૈદરાબાદ : દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન કોલિન મુનરોનું માનવુ છે કે ટી-20 ક્રિકેટને ઋષભ પંત જેવા આક્રમક બેટ્સમેનની જરૂર છે. પંતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 46 રન કર્યા તે પહેલા તેણે મુંબઇ ઇન્ડિયન્સ સામે 27 બોલમાં 78 રન કર્યા હતા. મુનરોએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 39 રનથી જીતી તે પછી કહ્યું હતું કે ઋષભ પંતનેં પોતાની ગેમની સારી સમજ છે અને તે ચોથા, પાંચમા કે છઠ્ઠા ગમે તે ક્રમે રમે તેની રમત એકસરખી રહે છે. આપણાને ટી-20 ક્રિકેટમાં તેના જેવા ખેલાડીની જરૂર છે.
તેણે કહ્યું હતું કે અમારી ટીમમાં ઘણાં યુવા ખેલાડીઓ છે અને તેમને પોતાની રમત અંગે પૂરતી આઝાદી છે. તેઓ ડર્યા વગર પોતાની સ્વાભાવિક રમત રમી શકે છે. તેમને પોતાની તાકાત અને નબળાઇ ખબર જ છે. તેણે શ્રેયસ ઐય્યરની કેપ્ટનશિપની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે ગત વર્ષે તેનેં ટૂર્નામેન્ટમાં અધવચ્ચેથી કેપ્ટન બનાવાયો હતો અને હવે તે પોતાનું કામ સુપેરે કરી રહ્યો છે. તે ઘણો શાંત છે અને તે જ તેની ખુબી છે. તે યુવા છે પણ તેની પાસેથી ઘણું શીખવા મળે છે.