લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ બાકી છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસે જંગી માત્રામાં હથિયારો ઝબ્બે કરીને મોટી સફળતા હાંસલ કરી છે. રાજ્યના બુલંદશહેરમાં એક સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે હથિયારો અને દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. એસએસપી એન કોલાંચીના જણાવ્યા મુજબ 405 ગેરકાયદે હથિયાર, 739 કારતૂસ, બે કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો અને 1.5 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
અગાઉ રવિવારે પણ બુલંદશહેર પોલીસે તપાસ હાથ ધરીને મતદાતાઓને આપવા માટે લઇ જવામાં આવી રહેલા 52 લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી હતી.
બીજા તબક્કાના મતદાન માટે મંગળવારે સાંજથી ચૂંટણી પ્રચાર સમાપ્ત થઇ જશે. 18મી એપ્રિલે 13 રાજ્યની 97 બેઠક માટે મતદાન યોજાશે. જેમાં ઉત્તર પ્રદેશની આઠ, છત્તીસગઠ અને પશ્ચિમ બંગાળની ત્રણ-ત્રણ, ઓરિસ્સા, આસામ અને બિહારની પાંચ-પાંચ બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કર્ણાટકની 14 અને મહારાષ્ટ્રની દસ બેઠક માટે પણ મતદાન યોજાશે.