સળગતી ઇમારતોમાં ફસાયેલા 300ની શોધ ચાલુ: હોંગકોંગ આગની ભયાનક તસવીરો
હોંગકોંગના તાઈપો વિસ્તારમાં આવેલી અનેક બહુમાળી ઇમારતોમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આગ ઓલવવાનું કામ હજી પણ ચાલુ છે. ફાયર સર્વિસે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 90 ટકા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે.
હોંગકોંગના તાઈપોમાં બુધવારે (26 નવેમ્બર 2025) બપોરે અનેક બહુમાળી ઇમારતોમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે અને 300 લોકો હજુ પણ ગુમ છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ 7 ઇમારતોમાં ફેલાઈ ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આ કેસમાં ત્રણ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રોઇટર્સે ફાયર સર્વિસીસ ડિપાર્ટમેન્ટ (FSD)ના હવાલાથી જણાવ્યું કે ભીષણ આગને કારણે ઘણા લોકો ઇમારતોમાં ફસાયા હતા. આગની જ્વાળાઓ અનેક કિલોમીટર દૂરથી જોઈ શકાતી હતી. FSD એ જણાવ્યું કે તેમને બુધવારે (26 નવેમ્બર 2025) બપોરે 2.51 વાગ્યે આગ લાગ્યાની જાણ થઈ હતી.
આગ ઓલવવાનું ઓપરેશન ચાલુ
આગ ઓલવવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. જે વીડિયો સામે આવ્યા છે તેમાં ઇમારતોમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શહેરના તાઈ પો જિલ્લામાં કોમ્પ્લેક્સની બહાર વાંસના માળખા (બાંબૂ સ્કેફોલ્ડિંગ) પર આગ ફેલાઈ ગઈ હતી. તાઈ પો હોંગકોંગના ઉત્તરીય ભાગનો એક વિસ્તાર છે અને તે મુખ્ય ચીની શહેર શેનઝેનની સરહદની નજીક આવેલો છે.
ફાયર સર્વિસે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 90 ટકા લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા છે. આ અકસ્માત બાદ અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. આ આગને લેવલ પાંચ કેટેગરીમાં રાખવામાં આવી છે, જેને સૌથી ગંભીર માનવામાં આવે છે.
લોકોને ઘરોમાં રહેવાની અપીલ
તાઈપો જિલ્લો શહેરના ઉત્તરીય ભાગમાં આવેલો છે. આગ લાગ્યા બાદ ફાયર વિભાગની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. વિભાગે આસપાસના લોકોને ઘરોની અંદર રહેવા, દરવાજા-બારીઓ બંધ રાખવા અને શાંત રહેવાની અપીલ કરી છે. ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે.
17 વર્ષ પહેલા પણ લાગી હતી આગ
હોંગકોંગમાં લગભગ 17 વર્ષ પહેલા પણ આ જ પ્રકારની લેવલ પાંચ કેટેગરીની આગ લાગી હતી, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા. જોકે, આ વખતે નુકસાન ઘણું મોટું છે. પ્રશાસને ઘાયલો અને અસરગ્રસ્ત લોકો માટે હેલ્પલાઇન શરૂ કરી છે જેથી તેમને તાત્કાલિક મદદ મળી શકે.

