Social Media: હવે બાળકો માતા-પિતાની મંજૂરી વિના નહીં કરી શકે ઉપયોગ, નવો નિયમ લાગુ
Social Media: કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેર પરામર્શ માટે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનો ડ્રાફ્ટ બહાર પાડ્યો છે, જેના હેઠળ ઘણા મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળશે. આ ડ્રાફ્ટમાં બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને પણ નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જે મુજબ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને હવે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે.
આ ડ્રાફ્ટ 18 ફેબ્રુઆરી 2025 સુધી સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય લેવા માટે ખુલ્લો રહેશે. સરકાર 18 ફેબ્રુઆરી પછી આ અંગે વિચારણા કરશે.
સરકારનો ડ્રાફ્ટ બાળકો અને વિકલાંગ વ્યક્તિઓના અંગત ડેટાના રક્ષણ પર વિશેષ ધ્યાન આપે છે. જો કોઈ સંસ્થા આ નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કોઈ સંસ્થા બે વખત નિયમનો ભંગ કરશે તો તેને 500 કરોડ રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.
ઉપભોક્તાઓને પ્રશ્ન કરવાનો અને ડેટા સંગ્રહને પડકારવાનો અધિકાર હશે. તેઓ તેમના ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે નક્કી કરી શકશે અને તેના પર સમય મર્યાદા પણ નક્કી કરી શકશે. ઉપભોક્તા તેમની માહિતી દૂર કરવાની વિનંતી પણ કરી શકે છે.
આ ડ્રાફ્ટને મંજૂરી આપતી વખતે સરકારે સામાન્ય લોકો પાસેથી અભિપ્રાય લેવાની પ્રક્રિયાને ગુપ્ત રાખવાનું વચન આપ્યું છે, એટલે કે આ પ્રક્રિયામાં તમામ નામો ગુપ્ત રહેશે.