પાકિસ્તાનનાં બલુચિસ્તાનમાં ગુરૂવારે 15-20 બંદૂકધારીઓએ બસયાત્રીઓ પર આડેધડ ગોળીબાર કર્યો હતો. જેમાં 14 લોકો મૃત્યુ પામ્યા હતા. મારતા પહેલાં બંદૂકધારીઓએ બધાજ પિડીતોને બસમાંથી નીચે ઉતારી દીધા હતા. પ્રાંતિય ગૃહ સચિવ હૈદર અલીએ જણાવ્યુ હતુકે, હુમલાખોરોએ પેરામિલીટ્રી ફ્રન્ટિયર કોર્પ્સનો યુનિફોર્મ પહેર્યો હતો. હુમલાખોરોએ મકરાન તટીય હાઈવે પર બસને રોકીને 14 લોકોની હત્યા કરી હતી.
હૈદરઅલીએ જણાવ્યુ હતુકે, બસ તટીય શહેર ઓરમારાથી કરાંચીનાં બંદરગાહ મેગાસિટી જઈ રહી હતી. હજી સુધી કોઈ પણ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. પાકિસ્તાની પોલિસ અધિકારી મોહસિન બટ્ટે જણાવ્યુ હતુકે, 15થી 20 અજાણ્યા હુમલાખોરોએ કરાચી અને ગ્વાદરની વચ્ચે પાંચથી છ બસોને રોકી હતી. બપોરે સાડા બારથી એકની વચ્ચે બંદૂકધારીઓએ બસને રોકીને 16 યાત્રીઓના ઓળખકાર્ડ જોયા બાદ તેમને બસમાંથી નીચે ઉતારી દીધા હતા.
સ્થાનિક અધિકારી જહાંગીરદાષ્ટીએ જણાવ્યુ હતુકે, બસમાં લગભગ ત્રણ ડઝન જેટલાં યાત્રીઓ યાત્રા કરી રહ્યા હતા. બટ્ટે કહ્યુ હતુકે, આ એક આયોજન પૂર્વક કરાયેલો હુમલો છે. ઓળખ કાર્ડમાં ઓળખ કર્યા બાદ પિડીતોને નજીકથી ગોળી મારવામાં આવી છે. જ્યા 14 યાત્રીઓનું મૃત્યુ થયુ છે, ત્યારે અન્ય 2 યાત્રીઓ ભાગવામાં સફળ રહ્યા હતા અને તેઓ લેવીસ ચેકપોસ્ટ પહોંચી ગયા હતા. તેમને ઈલાજ માટે ઓમારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.