કરાચી : પાકિસ્તાને ગુરૂવારે ઇંગ્લેન્ડમાં 30મી મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપ માટેની ટીમ જાહેર કરી હતી. આ ટીમમાંથી અનુભવી પણ આઉટ ઓફ ફોર્મ મહંમદ આમીરની બાદબાકી કરવામાં આવી હતી, જ્યારે બેટ્સમેન આબિદ અલીને ટીમમાં સામેલ કર્યો હતો.
મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે 15 સભ્યોની ટીમની સાથે બે રિઝર્વ ખેલાડીના નામ પણ જાહેર કર્યા હતા. તેમાં જણાવાયું હતું કે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમેલી ટીમમાંથી 11 ખેલાડીને જાળવી રખાયા છે.
બે વર્ષ પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીથી અત્યાર સુધીમાં રમેલી 14 વનડેમાં માત્ર 5 વિકેટ ઉપાડી શકેલા મહંમદ આમિરમાં પસંદગીકારોઍ ભરોસો બતાવ્યો નહોતો, જ્યારે વરિષ્ઠ શોઍબ મલિક અને મહંમદ હાફિઝમાં પુનઃ વિશ્વાસ મુક્યો હતો.
વર્લ્ડ કપ માટેની પાકિસ્તાનની ટીમ : સરફરાઝ અહેમદ (કેપટન), ફખર ઝમાન, ઇમામ ઉલ હક, આબિદ અલી, બાબર આઝમ, શોઍબ મલિક, હેરિસ સોહેલ, મહંમદ હાફિઝ, શાદાબ ખાન, ઇમાદ વસિમ, હસન અલી, ફહીમ અશરફ, શાહીન શાહ આફ્રિદી, જુનૈદ ખાન, મહંમદ હસનૈન. (રિઝર્વ ખેલાડી : આસિફ અલી, મહંમદ આમિર)