આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પંજાબ અને રાજસ્થાનનાં ઘણાં રેલ્વે સ્ટેશનો ઉડાડી મૂકવાની ધમકી આપી છે. જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર મસૂર અહમદે પંજાબના ફિરોજપુરના રેલ્વે બોર્ડના મેનેજરને એક પત્ર મોકલ્યો છે. પત્રમાં પંજાબ અને રાજસ્થાનનાં ઘણાં રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો અને મિલેટ્રી કેન્ટ ઉડાડી મૂકવાની ચેતવણી આપી છે .
જોધપુરના જીઆરપી સુપરિન્ટેન્ડેન્ટ મમતા વિષ્ણુએ જણાવ્યું કે, જૈશ-એ-મોહમ્મદના પત્ર બાદ અમે રેલ્વે સ્ટેશનો પર સંદિગ્ધ વસ્તુઓની તપાસ અને શોધખોળ માટે આરપીએફ સાથે એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું છે. તો પંજાબના જનરલ ઈન્સ્પેક્ટર આલોક વિશાલે જણાવ્યું છે કે, રાજ્યના બધા જ પોલીસ અધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે. ઉપરાંત રેલ્વે સ્ટેશનોની સાથે-સાથે મિલેટ્રી કેન્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.