તાજેતરમાં વઢવાણ તાલુકાનાં બલદાણા ગામે કોંગ્રેસનાં સ્ટાર પ્રચારક અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલની જાહેર સભાનું સવારના સમયે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ સભાને સંબોધી રહ્યાં હતાં તે દરમ્યાન ચાલુ સભાએ તરૂણકુમાર ગજ્જર નામનાં શખ્સે સ્ટેજ પર દોડી આવ્યો હતો અને હાર્દિક પટેલને લાફા ઝીંક્યા હતાં. ત્યારે આ બનાવનો સમગ્ર કેસમાં ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે અને આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આ બનાવના વિરોધમાં રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ બનાવ ભાજપ પ્રેરીત તેમજ પૂર્વ આયોજીત પ્લાનમુજબ બહારનાં વિસ્તારનાં ભાજપના હોદ્દેદારને હાર્દિક પટેલ પર જાહેર સભામાં જાહેર હથિયાર દ્વારા હુમલો કરવા કે મારવા અથવાં કોંગ્રેસ પક્ષનો પ્રચાર બંધ થાય તેવાં હેતુથી બલદાણા ગામે લાફો ઝીંક્યો હોવાની રજુઆત કરી હતી.
આ ઉપરાંત હાર્દિક પટેલને લાફો મારનાર વ્યક્તિ ભાજપનો તેમજ મહેસાણા જિલ્લા યુવા ભાજપ મોરચાના પ્રમુખ પ્રકાશ પટેલના ડ્રાઈવર હોવાનો પણ આક્ષેપ કર્યો હતો અને હુમલા બાદ ઝપાઝપીમાં ખિસ્સામાંથી છરી પણ નીકળી હોવાની રજુઆત કરી હતી. હુમલો કરનાર શખ્સ સામે કડક પગલાં લેવામાં આવે અને આચરસંહિતાના નિતિ નિયમમાં રહેવા કડક સુચનાઓ આપવામાં આવે તેવી માંગ કરી હતી.