જયપુર : દિલ્હી કેપિટલ્સે પોતાના હોમ ગ્રાઉન્ડ પર શનિવારે કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને ફરી ઍકવાર વિજયના ટ્રેક પર પાછા ફર્યા પછી હવે સોમવારે તે જ્યારે અહીં રાજસ્થાન રોયલ્સ સામે મેદાને પડશે ત્યારે પોતાનો ઍ ટ્રેક જાળવી રાખવા માગશે, સામે રાજસ્થાન રોયલ્સ પણ મુંબઇ ઇન્ડિયન્સને હરાવીને લાંબા સમય પછી કોઇ મેચ જીત્યું છે અને નવા કેપ્ટન સ્ટીવ સ્મીથની આગેવાનીમાં તેઓ પણ વિજય માર્ગે આગળ વધવા માગશે.
દિલ્હી કેપિટલ્સની ટીમે અત્યાર સુધી પોતાના હોમ ગ્રાઉન્ડ કરતાં અન્ય મેદાનો પર સારું પ્રદર્શન કર્યુ છે. રાજસ્થાન રોયલ્સે પણ મુંબઇ જેવી મજબૂત ટીમને હરાવી હોવાથી સોમવારની આ મેચ રસપ્રદ બની રહેવાની સંભાવના છે. રાજસ્થાન પોતાની 9 મેચમાંથી માત્ર 2 મેચ જીતી છે. તેથી તેના પર આ મેચ જીતવાનું દબાણ વધુ રહેશે. સ્ટીવ સ્મીથે કેપ્ટનશિપ સંભાળ્યા પછી મુંબઇ સામે ટીમને જીતાડી છે તેથી તેનો જુસ્સો અલગ ઉંચાઇઍ હશે. ટીમને જો કે જોસ બટલરની ખોટ સાલશે. ખરાબ પ્રદર્શનને કારણે રહાણેઍ કેપ્ટનશિપ ગુમાવી છે અને સંભવતઃ આવતીકાલની મેચમાં તેના સ્થાને રાહુલ ત્રિપાઠીને ઓપનર તરીકે મેદાને ઉતારવામાં આવે તેવી સંભાવના છે.
દિલ્હી પાસે મજબૂત બેટિંગ લાઇનઅપ છે. ઓપનર શિખર ધવન ફોર્મમાં છે, તો શ્રેયસ ઐય્યર પણ જારદાર બેટિંગ કરી રહ્યો છે. આ ઉપરાંત પૃથ્વી શો, કોલિન ઇનગ્રામ અને ઋષભ પંત તેમની બેટિંગને વધુ મજબૂત બનાવે છે. આ સિવાય તેમની પાસે કગિસો રબાડાની આગેવાનીમાં જારદાર બોલિંગ આક્રમણ છે, જેમાં ઇશાંત શર્મા, સ્પિનર સંદીપ લામિછાને, અમિત મિશ્રા અને અક્ષર પટેલ પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે.