પેરિસ : ફ્રાન્સની ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)એ કિલિયન એમ્બાપ્પેની હેટ્રિકની મદદથી અહીં મોનાકોને 3-1થી હરાવીને કુલ 8મીવાર દેશની સૌથી મોટી ફૂટબોલ લીગનું ટાઇટલ જીતી લીધું હતું. ખાસ વાત એ રહી હતી કે પીએસજીએ 7 વર્ષમાં આ છઠ્ઠીવાર લીગ-1 ટાઇટલ જીત્યું છે. રવિવારે મોનાકો સામે રમાયેલી મેચમાં સૌથી મોટો ફાળો એમ્બાપ્પેનો રહ્યો હતો. તેણે 15મી, 38મી અને 55મી મિનીટમાં ગોલ કરીને હેટ્રિક કરી હતી. તેના સિવાય પીએસજીમાંથી અન્ય કોઇ ગોલ કરી શક્યું નહોતું, તો વળી મોનાકો માટે એકમાત્ર ગોલ એલેકઝાન્ડર ગોલોવિને 80મી મિનીટમાં કર્યો હતો.
એમ્બાપ્પેએ આ સિઝનમાં કુલ 30 ગોલ કર્યા છે. તેણે 20 મેચમાં 6 ગોલ માટે સહાયકની ભૂમિકા પણ ભજવી છએ તો એક ગોલ તેણે પેનલ્ટીની મદદથી કર્યો છે. તે લીગમાં સર્વાધિક ગોલ કરવા મામલે પહેલા સ્થાને રહ્યો છે. પીએસજીના સ્ટાર નેમાર જૂનિયરે આ મેચથી વાપસી કરી હતી. નેમાર જમણા પગમાં ઇજાને કારણે 23 જાન્યુઆરીથી કોઇ મેચ રમી નથી.