દોહા : એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં બુધવારે રાત્રે અહીં પી યૂ ચિત્રાએ 1500 મીટરનું ટાઇટલ જાળવી રાખીને ગોલ્ડ મેડલ જીત્યો હતો અનેં ચોથા તેમજ અંતિમ દિવસે ભારતે કુલ પાંચ મેડલ જીતીને આ ચેમ્પિયનશિપમાં ચોથા સ્થાને રહીને પોતાનું અભિયાન સમાપ્ત કર્યું હતું. ચિત્રાએ 2017માં જીતેલા પોતાના ટાઇટલને જાળવી રાખતા ભારતને ત્રીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો, જ્યારે અજય કુમાર સરોજે પુરૂષોની 1500 મીટરમાં તેમજ પુરૂષો અને મહિલાઓની 4 બાય. 400ની રિલે ટીમોએ સિલ્વર મેડલ જીત્યો હતો.દૂતી ચંદે મહિલાઓની 200 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જેના કારણે ભારતના ફાળે કુલ 3 ગોલ્ડ, 8 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળીને કુલ 18 મેડલ આવ્યા હતા.
ભારત 2017માં ભુવનેશ્વરમાં 12 ગોલ્ડ, પાંચ સિલ્વર અને 12 બ્રોન્ઝ સાથે કુલ 29 મેડલ જીતીને પહેલીવાર ટોચ પર રહ્યું હતું. તે પછી બહેરીનમાં 11 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે ટોચ પર રહ્યું હતું. આ વખતે ચીન 10 ગોલ્ડ, 12 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે ટોચ પર જ્યારે જાપાન 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે બીજા સ્થાને રહ્યું છે. ચિત્રાએ બહેરીનની રનર ટાઇગેસ્ટ ગાશોને ફિનિશિંગ લાઇનના થોડા મિટર પહેલા પાછળ મુકીને 4 મિનીટ 14.56 સેકન્ડમાં આ રેસ જીતી લીધી હતી. ભારત માટે આ ત્રીજો ગોલ્ડ મેડલ હતો, તેના પહેલા ગોમતીએ મહિલાઓની 800 મીટરની રેસમાં જ્યારે તેજિન્દર પાલ સિંહે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
400 મીટરની રેસમાં બ્રોન્ઝ જીત્યા પછી ડાંગની સરિતાએ બીજો મેડલ જીત્યો
મહિલાઓની 4 બાય 400 મીટર રિલે દોડમાં ડાંગની સરિતા ગાયકવાડ, પ્રાચી, પુવમ્મા અને વીકે વિસ્મયાની રિલે ટીમે 3 મિનીટ 32.21 સેકન્ડનો સમય લઇને બહેરીનની રિલે ટીમ પછી બીજા સ્થાને રહી હતી. સરિતા ગાયકવાડ માટે આ સિલ્વર હાલની ચેમ્પિયનશિપનો બીજો મેડલ રહ્યો હતો. આ પહેલા સોમવારે સરિતા 400 મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુકી હતી. સોમવારના દિવસે ભારત માટે એ પહેલો મેડલ રહ્યો હતો.