કોલકાતા : અત્યાર સુધી આઇપીઍલમાં ફોર્મ વિહોણા રહેલા કેપ્ટન દિનેશ કાર્તિકે અહીં જોરદાર બેટિંગ કરીને 97 રન ઝીંકી દેતા કોલકાતા નાઇટ રાઇડર્સે મુકેલા 176 રનના લક્ષ્યાંક સામે જ્યારે ટીમના ખમતીધર બેટ્સમેનો પેવેલિયન ભેગા થઇ ગયા ત્યારે 17 વર્ષના રિયાન પરાગે મેચ વિનિંગ ઇનિંગ રમીને રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
176 રનના લક્ષ્યાંક સામે અજિંકેય રહાણે અને સંજૂ સેમસને રાજસ્થાનને જોરદાર શરૂઆત અપાવી હતી અને પ્રથમ 5 ઓવરમાં બોર્ડ પર 53 રન મુકી દીધા હતા, આ સ્કોર પર રહાણે અંગત 35 રન કરીને આઉટ થયો હતો અને તે પછી થોડી જ વારમાં સેમસન પણ આઉટ થયો હતો. અહીંથી નિયમિત સમયાંતરે વિકેટ પડવાનું શરૂ થયું હતું અને 12.3 ઓવરમાં 98 રને તેમની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. તે પછી રિયાન પરાગ અને શ્રેયસ ગોપાલે 25 રનની ભાગીદારી કરી હતી. ગોપાલ આઉટ થયા પછી પરાગ અને આર્ચર વચ્ચે 3.3 ઓવરમાં 44 રનની ભાગીદારી થઇ હતી જેમાં પરાગના 26 રન હતા. જાકે પરાગ 31 બોલમાં 47 રન કરીને કમનસીબે રસેલના બોલે હિટવિકેટ થયો હતો. આઉટ થતાં પહેલા તે રાજસ્થાન માટે મેચ બનાવી ગયો હતો. અંતિમ ઓવરમાં 9 રન કરવાના આવ્યા હતા, જેને જોફ્રા આર્ચરે 1 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકારીને પુરા કરી લેતા 19.2 ઓવરમાં જ રાજસ્થાન રોયલ્સનો 3 વિકેટે વિજય થયો હતો. કેકેઆર વતી દિનેશ કાર્તિકે 15મી ઓવર નીતિશ રાણાને આપી ત્યાંથી મેચે પલટો ખાધો હતો. ઍ ઓવરમાં 13 રન આવ્યા હતા.
દિનેશ કાર્તિકે 50 બોલમાં 9 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી 97 રન ઝુડી કાઢ્યા
રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેકેઆરે પ્રથમ દાવ લીધો પણ પહેલી જ ઓવરમાં ક્રિસ લીન શૂન્ય રને આઉટ થતાં કોલકાતા નાઇટ રાઇડર્સની શરૂઆત સાવ ખરાબ રહી હતી. તે પછી શુભમન ગીલ અને નીતિશ રાણા પણ આઉટ થતાં તેમનો સ્કોર 3 વિક્ટે 42 રન થયો હતો. તે પછી બેટિંગમાં આવેલા દિનેશ કાર્તિકે આવતાની સાથે ઝડપ પકડી હતી. જો કે સામે છેડેથી ઍક પછી ઍક બેટ્સમેન આઉટ થતાં રહ્યા હતા પણ કાર્તિકે ઍક છેડો પકડી રાખ્યો હતો. તેણે 35 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. આન્દ્રે રસેલ અને બ્રેથવેટ પણ આઉટ થતાં ઍવું લાગ્યું કે હવે સ્કોર 150ની અંદર રહેશે, પણ દિનેશ કાર્તિકે તે પછી ફટકાબાજી કરીને અંતિમ 5 ઓવરમાં 75 રન ઝુડી કાઢ્યા હતા. તે 97 રને નોટઆઉટ રહ્યો હતો અને કેકેઆરનો સ્કોર 20 ઓવરમાં 6 વિકેટે 175 રન થયો હતો.