ચેન્નઇ : ચેન્નઇ સુપર કિંગ્સે ભલે પ્લે અોફમાં સ્થાન મેળવવા માટે જરૂરી ૧૬ પોઇન્ટના કટ અોફ સુધી પહોંચી ગઇ છે, પણ તે શુક્રવારે અહીં મુંબઇ ઇન્ડિયન્સ સામે રમાનારી મેચમાં વિજય મેળવીને પોતાનું ટોચનું સ્થાન વધુ મજબૂત કરવા માગશે. આ તરફ પ્રવાસી ટીમ મુંબઇ ઇન્ડિયન્સ 10 મેચમાં 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તે રાજસ્થાન રોયલ્સ સામે હારીને ચેન્નઇ આવી છે, ત્યારે પ્લે ઓફની રેસમાં પોતાને જાળવી રાખવા માટે તેઅો પણ જીતવાની ઇચ્છા રાખતા હશે.
ચેન્નઇ સુપર કિંગ્સ માટે રાહતની વાત ઍ છે કે શેન વોટ્સન ફોર્મમાં આવી ગયો છે, સીઍસકે દ્વારા વોટ્સન ફોર્મમાં આવ્યો તે અંગે ખુશી વ્યક્ત કરવામાં આવી છે પણ ટીમ હવે ઍવી આશા રાખે છે કે તેમના અન્ય ત્રણ આઉટ અોફ ફોર્મ બેટ્સમેન સુરેશ રૈના, અંબાતી રાયડુ અને કેદાર જાદવ પણ પોતાનું ફોર્મ મેળવી લેશે.
ચેન્નઇ પાસે બોલિંગ આક્રમણ સારું છે અને તેમની પાસે મુંબઇની મજબૂત બેટિંગ લાઇનઅપને ખોરવવાની આશા રાખવામાં આવે છે. સામે પક્ષે મુંબઇનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે ત્યારે આવતીકાલની આ મેચ રસપ્રદ જંગ બની રહેવાની સંભાવના છે.