ચેન્નઇ : માત્ર બે મેચ પછી જ ડેલ સ્ટેનની ખભાની ઇજા ફરી સામે આવી ગઇ છે અને દક્ષિણ આફ્રિકાનો આ ઝડપી બોલર આઇપીએલની આખી સિઝનમાંથી બહાર થઇ ગયો છે. જો કે આઇપીએલની તેની ટીમ રોયલ ચેલેન્જર્સ કરતાં દક્ષિણ આફ્રિકા માટે આ વધુ ચિંતાની વાત છે. 30મી મેથી શરૂ થઇ રહેલા વર્લ્ડ કપમાં સ્ટેનની ઇજા ટીમનું પ્લાનિંગ બગાડી શકે છે. ત્યારે હાલમાં ધોનીની પીઠની ઇજા ચર્ચામાં છે અને ભારતીય ટીમ મેનેજમેન્ટ ધોની બાબતે આવી કોઇ સમસ્યાથી બચીને રહેવા માગતું હશે,
ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન ધોની પોતાની પીઠની ઇજા છતાં આઇપીએલમાં રમી રહ્યો છે. મંગળવારે સનરાઇઝર્સ સામેની મેચ પછી ધોનીએ સંકેત આપ્યો હતો કે જો જરૂર પડશે તો તે આરામ કરવા બબતે વિચાર કરી શકે છે.. હવે જો શુક્રવારની મુંબઇ ઇન્ડિયન્સ સામેની મેચમાં ચેન્નઇ જીતી જશે અને પ્લેઓફમાં તેનું સ્થાન વધુ મજબૂત થશે તો ધોની આરામ કરવાનું વિચારી શકે છે.
એવું કહેવાય છે કે 7મી મેથી શરૂ થઇ રહેલા પ્લેઓફ પહેલા ધોની થોડો આરામ કરી શકે છે, પણ ચેન્નઇના બેટિંગ સલાહકાર માઇક હસીનું કહેવું છે કે ધોનીને આરામ કરવાનું કહેવું એટલું સરળ નથી. તેણે કહ્યું હતું કે જેટલો હું ધોનીને જાણું છું તો કહી શકું છું કે ધોની કોઇ મેચ મિસ કરવા નથી માગતો. તેને સીએસકે વતી રમવાનું ઘણું પસંદ છે.
એવું પણ કહેવામાં આવે છે કે ધોની જાણે છે કે ટી-20 ક્રિકેટમાં લય ખુબ જરૂરી હોય છે અને જરા સરખી ભુલના પરિણામ ભયાનક આવી શકે છે. જો ધોની બે મેચમાં આરામ કરશે અને ચેન્નઇ એ મેચ હારી જાય તો પહેલી પ્લેઓફમાં ટીમને ફરી એકવાર લય પકડવામાં મુશ્કેલી આવી શકે છે.