ચેન્નઇ : મુંબઇ ઇન્ડિયન્સે આજે અહીં રોહિત શર્માની અર્ધસદીની મદદથી મુકેલા 156 રનના લક્ષ્યાંક સામે મુંબઇના બોલરોની જોરદાર બોલિંગથી ચેન્નઇ સુપર કિંગ્સ 109 રનમાં તંબુભેગુ થતાં મુંબઇનો 46 રને વિજય થયો હતો. રોહિતના 67 રન ઉપરાંત ઍવિન લુઇસના 32, અને હાર્દિક પંડ્યાના 23 રનની મદદથી મુંબઇઍ 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 155 રન કર્યા હતા. મુંબઇ વતી આજની મેચમાં ઍવિન લુઇસ અને યુવા સ્પિનર અનુકુલ રોયનો સમાવેશ કર્યો હતો, જ્યારે ચેન્નઇમાંથી આજે કેપ્ટન ધોની, ડુ પ્લેસિસ અને જાડેજાને સ્થાને મુરલી વિજય, ધ્રુવ શૌરી તેમજ સેન્ટનરનો સમાવેશ કરાયો હતો.
156 રનના લક્ષ્યાંક સામે ચેન્નઇની શરૂઆત સારી રહી નહોતી અને 9 રને વોટ્સનના રૂપે પહેલી વિકેટ ગુમાવી હતી, તે પછી સમયાંતરે વિકેટ પતન થતું રહ્યું હતુ અને 66 રનના સ્કોર સુધીમાં ચેન્નઇએ 6 વિકેટ ગુમાવી હતી. બ્રાવો અને સેન્ટનર 33 રનની ભાગીદારી કરીને સ્કોરને 99 પર લાવ્યા ત્યારે જોખમી બનતી આ ભાગીદારીને મલિંગાઍ તોડી હતી. તે પછી 10 રનના ગાળામાં બાકીની 3 વિકેટ પડતાં ચેન્નઇ 109 રને ઓલઆઉટ થઇ જતાં મુંબઇનો 46 રને વિજય થયો હતો.
આ પહેલા પ્રથમ દાવ લેતા મુંબઇની શરૂઆત સારી રહી નહોતી અને ડિ કોક માત્ર 15 રન કરીને આઉટ થયો હતો. હાલની આઇપીઍલમાં પોતાની પ્રથમ મેચ રમવા ઉતરેલા લુઇસ સાથે રોહિતે 75 રનની ભાગીદારી કરી હતી. લુઇસ 32 રન કરીને આઉટ થયો તે પછી કૃણાલ પંડ્યા પણ પેવેલિયન ભેગો થયો હતો. રોહિતે સિઝનની પહેલી અર્ધસદી પુરી કરી 67 રન કરી આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં મુંબઇ માટે આજે પંડ્યા-પોલાર્ડનો જાદુ ચાલ્યો નહોતો. હાર્દિક 18 બોલમાં 23 જ્યારે પોલાર્ડ 12 બોલમાં 13 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.