જયપુર : શનિવારે જ્યારે અહીં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ આઇપીઍલની મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે પોતાના મહત્વના વિદેશી ખેલાડીઅોની ખોટ તેમને સાલશે, જો કે હૈદરાબાદ કરતા રાજસ્થાનની ટીમને તેની વધુ અસર પડશે, કારણકે તેની ટીમમાંથી બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચર અને જાસ બટલર વર્લ્ડ કપની તૈયારી માટેના કેમ્પમાં ભાગ લેવા માટે સ્વદેશ રવાના થયાં છે. જ્યારે હૈદરાબાદમાંથી ઍકમાત્ર જાની બેયરસ્ટો સ્વદેશ રવાના થયો છે.
પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદની ટીમ 10માંથી 5 મેચ જીતીને સારી સ્થિતિમાં છે. જ્યારે રાજસ્થાનની ટીમે 11માંથી માત્ર 4 મેચ જીતી છે. જો કે તે હજુ પ્લેઓફની રેસમાં છે. ઇંગ્લેન્ડના ત્રણે ખેલાડી જવાથી રાજસ્થાનને ખોટ તો સાલશે પણ તેમના માટે સ્મીથ અને રહાણે ફોર્મમાં હોવાથી રાહતની વાત છે. હૈદરાબાદની ટીમને માત્ર પોતાના ઓપનર બેયરસ્ટોની ખોટ સાલશે પણ તેના માટે તેમણે અગાઉથી બહેતર આયોજન કરી રાખ્યું છે.