બૈજિંગ : ભારતીય શૂટર અભિષેક વર્માએ શનિવારે અહીં ચાલી રહેલા ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ઓલિમ્પિક્સમાં પાચમો ક્વોટા મેળવ્યો હતો. તેના પહેલા 10 મીટર એર રાયફલમાં અંજુમ મોડગિલ, અપૂર્વી ચંદેલાએ જ્યારે 10 મીટર એર પિસ્તોલમાં સૌરભ ચૌધરી અને દિવ્યાંશ સિંહ પંવારે ભારત માટે ચાર ઓલિમ્પિક્સ ક્વોટા સુરક્ષિત કર્યા હતા..
અભિષેક વર્માએ 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટની ફાઇનલમાં 242.7 પોઇન્ટ સાથે પહેલું સ્થાન મેળવીને ગોલ્ડ જીત્યો હતો. રશિયાના અર્તેમ ચેરનોસોવે 240.4 પોઇન્ટ સાથે સિલ્વર જ્યારે કોરિયાના હાન સેઉંગોએ 220.0 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અભિષેક વર્મા જાકાર્તામાં આયોજિત થયેલી એશિયન ગેમ્સમાં 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટમા બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.માત્ર ત્રણ વર્ષ પહેલા શૂટિંગને અપનાવનારા અભિષેકે આ ઇવેન્ટની ફાઇનલમાં શરૂઆતથી અંત સુધી પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું.