ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ બાદ યોગ ગુરૂ બાબા રામદેવ પણ ભોપાલથી ભાજપના ઉમેદવાર તરીકે ઉભેલા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરનાં સમર્થનમાં આગળ આવ્યા છે. રામદેવે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ‘રાષ્ટ્રવાદી’ ગણાવ્યા. તેમણે કહ્યું કે જેલમાં નવ-નવ વર્ષો સુધી ત્રાસ ગુજરવાને કારણે પ્રજ્ઞા ઠાકુરને કેન્સર થઈ ગયું હતું.
પ્રજ્ઞા સિંહ ઠાકુરને 2008 માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તાજેતરમાં જ જામીન મળ્યા છે. રામદેવે કહ્યું કે, ‘સાધ્વી પ્રજ્ઞા ઠાકુરની ફક્ત શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. પ્રજ્ઞાને જેલમાં એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો કે જાણે તે કોઈ આતંકવાદી હોય.’
બાબાએ પત્રકારોને સંબોધતા કહ્યું કે, તમે જ્યારે કોઈ વ્યક્તિની માત્ર શંકાને આધારે ધરપકડ કરી લો અને તેને સતત નવ વર્ષ સુધી શારીરિક અને માનસિક ત્રાસ આપો તો તે વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે નબળી થઈ જ જાય અને તેને કારણે તેને બિમારીઓ ઘેરી વળતી હોય છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પણ આવો ત્રાસ આપવાથી જ કેન્સર થઈ ગયું હતું. પરંતુ હકીકતમાં તે કોઈ આતંકવાદી નહીં પણ રાષ્ટ્રવાદી મહિલા છે.’