ભારતીય હવામાન વિભાગે દક્ષિણનાં રાજ્યોમાં ચક્રવાત તોફાન ફેનીને લઈને અલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, હિંદ મહાસાગર અને દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બનેલાં દબાણનાં પગલે ચક્રવાત ફેની ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આ સિવાય હવામાન વિભાગે આગામી 24 દરમિયાન ચક્રવાત તોફાન ફેની ભયંકર અને વિકરાળ રૂપ ધારણ કરે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. તેમજ માછીમારોને પણ દરિયો ના ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
હવામાન વિભાગનું માનીએ તો બાંગ્લાદેશની સલાહનાં આધારે તોફાનનું નામ ફેની રાખવામા આવ્યું છે. હવામાન વિભાગ મુજબ તમિલનાડુ અને પુડુચેરી, કોમોરિન વિસ્તાર, મન્નારની ખાડી અને કેરળનાં તટીય વિસ્તારમાં 30થી 50 કિલોમટીર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, બે દિવસમાં ભૂમધ્ય હિંદ મહાસાગર અને તેનાથી નજીક આવેલા દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં હવાનું જોર વધીને 145 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે. ત્યારે આ વિસ્તારમાં દરિયામાં ઉંચા મોજા ઉછળતા પણ નજરે પડી રહ્યાં છે.