નવી દિલ્હી : અહીંના ફિરોજશા કોટલા મેદાન પર રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 16 રને હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું હતું, જ્યારે દિલ્હી સામેના આ પરાજયને પગલે વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબી પ્લેઓફની રેસમાંથી આઉટ થઇ ગઇ છે. દિલ્હી કેપિટલ્સે શ્રેયસ ઐય્યર અને શિખર ધવનની અર્ધસદીની મદદથી 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. જેની સામે આરસીબીની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 171 રન જ કરી શકી હતી.
શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીઍ શરૂઆત ઝડપી કરી પણ ૩૫ રનના સ્કોર પર પૃથ્વી શો આઉટ થઇ ગયો હતો. તે પછી ધવને કેપ્ટન ઐય્યર સાથે મળીને બીજી વિકેટની ભાગીદારીમાં 68 રન જાડ્યા હતા. સ્કોર 100 પાર પહોંચ્યો ત્યારે ધવન 50 રન કરીને આઉટ થયો હતો. પંત ફલોપ ગયો અને માત્ર 7 રન કરીને આઉટ થયો હતો. જ્યારે ઐય્યર 52 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં શરફેન રધરફોર્ડે 13 બોલમાં 28 અને અક્ષર પટેલના 9 બોલમાં 16 રનની મદદથી દિલ્હી 187 રન સુધી પહોંચ્યું હતું.
188 રનના લક્ષ્યાંક સામે આરસીબીને કોહલી અને પાર્થિવે ઝડપી શરૂઆત અપાવી પ્રથમ 5.5 ઓવરમાં 63 રનની ભાગીદારી કરી હતી. તે પછી પાર્થિવ અને કોહલીની વિકેટ ટુંકા અંતરમાં પડી હતી. ડિવિલિયર્સ જાખમી બને તે પહેલા આઉટ થયો હતો. તે પછી શિવમ દુબે, ગુરકિરત સિંહ માન તેમજ સ્ટોઇનીસે થોડા પ્રયાસો કર્યા હતા પણ અંતે રબાડાની ઓવરોમાં તેમનાથી રન થયા નહોતા.