હૈદરાબાદ : હાલની સિઝનમાં પોતાની છેલ્લી મેચ રમી રહેલા ડેવિડ વોર્નરની 81 રનની જારદાર ઇનિંગના પ્રતાપે સનરાઇઝર્સ હૈદરાબાદે મુકેલા 213 રનના લક્ષ્યાંક સામે કેઍલ રાહુલની ઍકલવીર જેવી લડત છતાં કિંગ્સ ઇલેવન પંજાબ 8 વિકેટે 167 રન સુધી જ પહોંચતા સનરાઇઝર્સ હૈદરાબાદનો 45 રને વિજય થયો હતો.
213 રનના લક્ષ્યાંક સામે કિંગ્સ ઇલેવન પંજાબની શરૂઆત ઍટલી સારી રહી નહોતી અને બોર્ડ પર માત્ર 11 રન હતા ત્યારે ક્રિસ ગેલ આઉટ થયો હતો. જા કે તે પછી રાહુલ અને મયંક અગ્રવાલે મળીને 6.3 ઓવરમાં 60 રનની ભાગીદારી કરી હતી. મયંક 27 રન કરીને આઉટ થયો તે પછી થોડા થોડા અંતરે વિકેટો પડતી રહી હતી. રાહુલે સીમરન સિંહ સાથે 57 રનની ભાગીદારી કરી સ્કોરને 160 પર પહોંચાડ્યો પછી રાહુલ 56 બોલમાં 79 રન કરીને આઉટ થયો હતો અને તેની સાથે તેમની રહી સહી આશાનો અંત આવી ગયો હતો. હૈદરાબાદ વતી રાશિદ ખાન અને ખલીલ અહેમદે 3-3 જ્યારે સંદીપ શર્માઍ 2 વિકેટ ઉપાડી હતી.
હાલની સિઝનમાં પોતાની છેલ્લી મેચ રમતા ડેવિડ વોર્નરે 56 બોલમાં 81 રનની ઇનિંગ રમી
અશ્વિને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી સનરાઇઝર્સ હૈદરાબાદને સાહા અને વોર્નરે જોરદાર શરૂઆત અપાવી હતી. વોર્નરે અર્ધસદી ફટકારવાની સાથે રિદ્ધિમાન સાહા સાથે 78 અને મનીષ પાંડે સાથે 82 રનની ભાગીદારી કરીને 20 ઓવરમાં 6 વિકેટે 213 રનના સ્કોર પર મુક્યું હતું. સાહા 13 બોલમાં 28 રન કરીને આઉટ થયો તે પછી વોર્નરે મનીષ પાંડે સાથે 82 રનની ભાગીદારી કરી હતી. પાંડે 25 બોલમાં 36 રન કરીને આઉટ થયો તે પછી તરત જ વોર્નર પણ 56 બોલમાં 81 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી વિલિયમ્સન અને મહંમદ નબીઍ 34 રનની ભાગીદારી કરતાં ટીમ 200 પાર પહોંચી હતી. વિલિયમ્સન 7 બોલમાં 14 જ્યારે નબી 10 બોલમાં 20 રન કરીને આઉટ થયા હતા.