નવી દિલ્હી : દિલ્હી કેપિટલ્સના વિકેટકીપર ઋષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ દરમિયાન 2 કેચ ઝડપતાની સાથે જ આઇપીઍલની હાલની સિઝનમાં વિકેટ પાછળ 20 શિકાર પુરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કુમાર સંગાકારાનો આઇપીઍલનો 8 વર્ષ જૂનો રેકોર્ડ આ સાથે તોડ્યો હતો. પંતે વિકેટ પાછળ 15 કેચ અને 5 સ્ટમ્પિંગ કરીને પોતાના 20 શિકાર પુરા કર્યા છે.
સંગાકારાઍ 2011માં ડેક્કન ચાર્જર્સ વતી રમતા વિકેટ પાછળ કુલ 19 શિકાર ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો. હાલમાં જ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં બાંગ્લાદેશના વિકેટકીપર નુરુલ હસને પણ વિકેટ પાછળ 19 શિકાર ઝડપ્યા હતા. પંતે આ રેકોર્ડ સાથે તેની વિકેટકીપીંગ નબળી હોવાનો સવાલ કરનારા લોકોને જારદાર જવાબ આપ્યો છે. આ પહેલા વર્ષની શરૂઆતમાં તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પણ વિકેટ પાછળ 20 શિકાર ઝડપનારો પ્રથમ ભારતીય વિકેટકીપર બન્યો હતો.