બહુ ચર્ચિત ગુજરાત સરકારનું મગફળી કૌભાંડની સ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં તો તુવેરદાળ કૌભાંડનાં છાંટાથી ભાજપ સરકાર ભીંજાઈ ગઈ છે. રાજ્યમાં કેશોદનાં તુવેર પ્રકરણમાં 3100 જેટલી હલકી ગુણવત્તાની તુવેરદાળની બોરીઓની ખરીદી અને વિસાવદરમાં પણ તુવેરદાળની ગુણવત્તા ઉપર ઉઠેલાં સવાલો બાદ વિટીવી ન્યુઝનાં એક્સક્લુસીવ કવરેજ બાદ ઉઠેલા સવાલો સામે કાઉન્ટર કરવા માટે આજે સમગ્ર પ્રકરણનાં પાંચમાં દિવસે ભાજપ સરકારનાં મંત્રી જયેશ રાદડિયા ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરતા હોય તેમ પોતાની સરકારનો અને પોતાનો લુલો બચાવ કરતા જોવાં મળ્યાં.
ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને મંત્રી જયેશ રાદડિયાએ તુવેરદાળની જે બોરીઓ ચેક કરાઇ છે અને ક્વોલિટીમાં કોઈ પ્રકારની ભેળસેળ કે ગુણવત્તાને લઈને ઉઠેલાં સવાલો ધરમૂળથી પાયા વિહોણાં છે તેવો પ્રતિકાર કર્યો તેમજ ટેકાનાં ભાવે હાલ ખરીદી ચાલુ હોવાનુ કહીને મંત્રીજીએ પોતાની સરકારની કામગીરીનાં વખાણ કર્યા હતાં.
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, હજુ સુધી એક પણ બોરીમાં ભેળસેળ જોવાં મળી નથી. ટેકાનાં ભાવે ખરીદી પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. 7 લોકો સામે ફરીયાદ પણ કરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉઠવા પામે છે કે જો સમગ્ર મામલે કોઇ ભેળસેળ અથવા કોઈ ગંભીર ભૂલ થઈ નથી તો મીડિયા કવરેજ બાદ જે લોકો સામે ફરિયાદ કરીને તપાસ ચાલવામાં આવી રહી છે તે શું કહી શકાય તેવી ચર્ચા હાલ તો મંત્રીજી જયેશ રાદડિયા અને તેમની સરકાર સામે સવાલીયા નિશાન તાંકીને ઉભા છે….!