ચેન્નઇ : સુરેશ રૈનાની ઝડપી અર્ધસદી અને અંતિમ અોવરોમાં ધોનીઍ કરેલી ફટકાબાજીને કારણે ચેન્નઇ સુપર કિંગ્સે મુકેલા 180 રનના લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સની ટીમ 99 રનમાં તંબુભેગી થતાં ચેન્નઇ સુપર કિંગ્સે 80 રને વિજય મેળવીને પોઇન્ટ ટેબલમાં ફરી ટોચનું સ્થાન મેળવી લીધું હતું.
180 રનના લક્ષ્યાંકની સામે માત્ર 4 રન બોર્ડ પર હતા ત્યારે પૃથ્વી શો આઉટ થયો હતો, તે પછી શીખર ધવન અને શ્રેયસ ઐય્યરે મળીને 48 રનની ભાગીદારી કરી પણ ધવન 19 રન કરીને આઉટ થયો તે પછી ઋષભ પંત અને કોલિન ઇન્ગ્રામની બે વિકેટ ગુમાવતા દિલ્હીનો સ્કોર 4 વિકેટે 65 રન થયો હતો, તે પછી પાંચમી વિકેટના રૂપમાં શ્રેયસ ઐય્યર આઉટ થયો અને તેની સાથે જ દિલ્હીની ટીમ લથડી પડી હતી અને 81 રનમાં 5 વિકેટ ગુમાવનાર દિલ્હીની ટીમે તે પછી 18 રનના ઉમેરામાં બાકીની 5 વિકેટ ગુમાવી દીધી હતી અને 99 રનના સ્કોરે તેમની ટીમનો વિંટો વળી ગયો હતો. ચેન્નઇ વતી ઇમરાન તાહિરે 4 અને રવિન્દ્ર જાડેજાઍ 3 વિકેટ ઉપાડી હતી.
સુરેશ રૈનાની અર્ધસદી અને ધોનીની ફટાફટીથી ચેન્નઇ સુપર કિંગ્સે 179 રન બનાવ્યા
આ પહેલા શ્રેયસ ઐય્યરે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત સારી રહી નહોતી અને શેન વોટ્સન ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. તે પછી જો કે ડુ પ્લેસિસ સાથે રમતમાં જાડાયેલા સુરેશ રૈનાઍ બીજી વિકેટની ભાગીદારીમાં 83 રન જોડયા હતા. ડુ પ્લેસિસ 39 બોલમાં 41 રન કરીને આઉટ થયો હતો. રૈના 37 બોલમાં 59 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં ધોનીઍ ફટકાબાજી કરીને 22 બોલમાં 44 રન કર્યા હતા, તેની ફટાફટીને કારણે અંતિમ 5 ઓવરોમાં ચેન્નઇના સ્કોરમાં 77 રન ઉમેરાયા હતા.