નવી દિલ્હી : આઇપીઍલ ફ્રેન્ચાઇઝી કિંગ્સ ઇલેવન પંજાબના સહ માલિક નેસ વાડિયાને ડ્રગ્સ રાખવા મામલે જાપાનમાં બે વર્ષની સજા સંભળાવાયા પછી કિંગ્સ ઇલેવન પંજાબ પર સસ્પેન્શનના સંકટના વાદળ ઘેરાયા છે, આ બાબતે શુક્રવારે મુંબઇમાં મળનારી વહીવટદારોની સમિતી (સીઓઍ)ની બેઠકમાં ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. આઇપીઍલની આચારસંહિતા અનુસાર ટીમ સાથે જાડાયેલો કોઇપણ વ્યક્તિ રમતને બદનામ કરી શકતો નથી અને તેમાં ઍક કલમ ઍવી પણ છે કે જે પ્રકારે આઇપીઍલ સ્પોટ ફિક્સીંગમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ સાથે કરાયું તે રીતે ટીમને સસ્પેન્ડ પણ કરી શકાય તેમ છે.
કિંગ્સ ઇલેવન સંબંધિત મુદ્દો આઇપીઍલની નૈતિક સમિતિ કે નવ નિયુક્ત લોકપાલને સોંપવો કે નહીં તે નિર્ણય કરાશે
જો કે હજુ ઍ સ્પષ્ટ નથી કે આ કેસ કાર્યકારી અધ્યક્ષ સીકે ખન્ના, કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરી અને કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરીની બનેલા આઇપીઍલની નૈતિક સમિતિને કે પછી નવ નિયુક્ત લોકપાલ નિવૃત્ત જસ્ટિસ ડી કે જૈનને સોંપવો કે નહીં. બીસીસીઆઇના ઍક સીનિયર અધિકારીઍ બુધવારે કહ્યું હતું કે આ પ્રકરણે ત્રીજી મેના રોજ મળનારી સીઓઍની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમારી પાસે નૈતિક અધિકારી તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ હાજર છે તો તેમને જ તેની સોંપણી કરવામાં આવે તો યોગ્ય રહેશે. તેમને જ્યારે પુછાયું કે શું કિંગ્સ ઇલેવન પંજાબને સસ્પેન્ડ કરાશે ત્યારે તેમણે જવાબ વાળ્યો હતો કે હાલ તો આ વાત ઍક અટકળ માત્ર છે.