ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સના પરિણામની તારીખ આજે જાહેર કરી દેવાઈ છે.જે મુજબ ૯મી મેના રોજ ધો.૧૨ સાયન્સની મુખ્ય બોર્ડ પરીક્ષાનું પરિણામ તેમજ ગુજકેટની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.આ સાથે ૯મીએ જ ૧૧-૧૨ સાયન્સની સેમેસ્ટર સીસ્ટમના રીપીટર વિદ્યાર્થીઓનું પરિણામ પણ જાહેર કરાશે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધો.૧૨ સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષામાં નોંધાયેલા ૧.૪૭ લાખથી વધુ વિદ્યાર્થીમાંથી ૧.૪૦ લાખથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જ્યારે માર્ચમાં જ જાહેર બોર્ડ પરીક્ષા સાથે રદ કરાયેલી સેમેસ્ટર સીસ્ટમના નાપાસ વિદ્યાર્થીઓ માટે લેવાયેલી પરીક્ષામાં ૧૦ હજાર જેટલા વિદ્યાર્થી નોંધાયા હતા.મુખ્ય બોર્ડ પરીક્ષા બાદ ૨૬મી એપ્રિલે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી.જેમાં ૧.૩૧ લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.
આમ ધો.૧૨ સાયન્સના વાર્ષિક પદ્ધતિના ૧.૪૦ લાખથી વધુ અને સેમેસ્ટર સીસ્ટમના ૧૦ હજાર જેટલા વિદ્યાર્થી સહિત ૧.૫૦ લાખ વિદ્યાર્થીઓનું ૯મીએ પરિણામ જાહેર કરાશે. ગુજકેટનું પણ ૯મીએ જ પરિણામ જાહેર કરી દેવાશે.પરિણામ સવારે ૮ વાગે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરી દેવાશે અને સાથે ૧૨ સાયન્સની માર્કશીટ તથા પ્રમાણપત્ર તેમજ ગુજકેટની માર્કશીટનું વિતરણ જિલ્લાના મુખ્ય વિતરણ કેન્દ્રો પર સવારે ૧૦થી બપોરના ૪ દરમિયાન કરવામા આવશે.