મુંબઇ : સનરાઇઝર્સ હૈદરાબાદ માટે બેટિંગમાં મહત્વની ભૂમિકા ભજવનારા ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર સ્વદેશ પહોંચી ગયા પછી તેની ગેરહાજરીમાં આવતીકાલે અહીં મુંબઇ ઇન્ડિયન્સ સામેની મહત્વની મેચમાં જ્યારે સનરાઇઝર્સ ઉતરશે ત્યારે તેમના માટે ઍ પડકારજનક મેચ બની રહેશે. બંને ટીમ માટે મેચ મહત્વની છે. જો મુંબઇ આ મેચ જીતશે તો તે પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરી લેશે અને જો સનરાઇઝર્સ આ મેચ જીતશે તો તેના પોઇન્ટ પણ મુંબઇ જેટલા થઇ જશે.
મુંબઇ ઇન્ડિયન્સ 12 મેચમાં 14પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને જ્યારે સનરાઇઝર્સ 12 મેચમાં 12 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. હવે જ્યારે ટીમમાંથી વોર્નર ચાલ્યો ગયો છે ત્યારે તેની ખાલી જગ્યા ભરવા માટેની જવાબદારી કેપ્ટન કેન વિલિયમ્સન, મનીષ પાંડે, ઓલરાઉન્ડર વિજય શંકર અને ટીમમાં પાછા ફરેલા રિદ્ધિમાન સાહાઍ ઉઠાવવી પડશે. હૈદરાબાદના બોલરોઍ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યુ છે પણ મુંબઇની બેટિંગ લાઇન અપ સામે તેમણે ઍકજૂથ થવું પડશે.
મુંબઇ માટે ઓપનર ક્વિન્ટોન ડિ કોક અને રોહિત શર્મા સારું પ્રદર્શન કરી જ રહ્યા છે પણ અંતિમ ઓવરોમાં તોફાન બનીને ત્રાટકતા હાર્દિક પંડ્યાને કાબુમાં લેવાનો પડકાર હૈદરાબાદના બોલરો સામે હશે. રાશિદ ખાન, ખલીલ અહેમદ અને ભુવનેશ્વર કુમાર ઍ પડકારને પહોંચી વળવા માટે તૈયાર હશે.