લંડન : શ્રીલકાના માજી કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન કુમાર સંગાકારાની મેરિલબોન ક્રિકેટ ક્લબ (એમસીસી)ના અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી છે. એમસીસીના અધ્યક્ષપદે વરણી થતાંની સાથે જ કુમાર સંગાકારાએ ઇતિહાસ રચી દીધો હતો. તે આ પદ પર બિરાજનારો પ્રથમ નોન બ્રિટીશર ખેલાડી બન્યો છે. આ પહેલા એમસીસીના અધ્યક્ષ પદે ટેડ ડેક્સ્ટર, ડેરેક અંડરવુડ, માઇક બ્રિયલી, કોલિન કાઉડ્રી, માઇક ગેટિંગ અને ગુબી એલન જેવા ઇંગ્લીશ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ રહી ચુક્યા છે.
સંગાકારા એમસીસીના 233 વર્ષોના ઇતિહાસમાં પહેલો એવો અધ્યક્ષ છે જે વિદેશી છે. માજી શ્રીલંકન વિકેટકીપર બેટ્સમેન સંગાકારાના નામની ઉમેદવારીની જાહેરાત બુધવારે હાલના અધ્યક્ષ એન્થની બ્રેફોર્ડે કરી હતી. સંગાકારા પોતાના એક વર્ષના કાળકાળની શરૂઆત ઓક્ટોબરથી કરશે. પહેલાથી એમસીસીના માનદ સભ્ય એવા 41 વર્ષિય સંગાકારાએ આ જાહેરાત અંગે કહ્યું હતું કે એમસીસીના અધ્યક્ષ પદે વરણી થવી એ મોટું સન્માન છે. તેની વૈશ્વિક પહોંચ અને ક્રિકેટના મેદાનની અંદર અને બહાર ક્રિકેટ માટે સતત વિકાસને કારણે મારા માટે એમસીસી વિશ્વની સૌથી મહાન ક્રિકેટ ક્લબ છે.