નવી દિલ્હી : વર્લ્ડ કપ શરૂ થવા આડે હવે જ્યારે મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે ત્યારે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કગિસો રબાડાને પીઠની સમસ્યા ઊભી થઇ છે. તેણે કરેલી પીઠના દુખાવાની ફરિયાદને પગલે જ ગત મેચમાં તેને રમાડાયો નહોતો. આ તરફ તેની પીઠની સમસ્યાને પગલે ક્રિકેટ દક્ષિણ આફ્રિકાઍ દિલ્હી કેપિટલ્સ વતી આઇપીઍલમાં રમતા પોતાના આ બોલરનો સ્કેન રિપોર્ટ માગ્યો છે.
રબાડાનો સ્કેન રિપોર્ટ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને મોકલી દેવાયો છે. દિલ્હી કેપિટલ્સના ઍક સીનિયર અધિકારીઍ કહ્યું હતું કે રબાડાની તમામ તપાસ પુરી કરી લેવામાં આવી છે અને રિપોર્ટ ક્રિકેટ દક્ષિણ આફ્રિકાને મોકલી દેવાયો છે. હવે રબાડા આઇપીઍલની બાકી બચેલી મેચમાં રમશે કે નહીં તે અંગેનો નિર્ણય દક્ષિણ આફ્રિકાનું બોર્ડ જ કરશે.
અધિકારીઍ કહ્યું હતું કે રબાડાઍ માત્ર ઍટલું જ કહ્યું હતું કે તેને સારું નથી લાગી રહ્યું. તેથી અમે બધા ટેસ્ટ કરાવી લીધા, કારણકે અમે અમારા કોઇ પણ ખેલાડી બાબતે કોઇ જાખમ લેવા માગતા નહોતા. વર્લ્ડ કપને ધ્યાને લેતા દક્ષિણ આફ્રિકન બોર્ડ અમારા સંપર્કમાં છે અને અમે પણ તેમની સાથે વાત કરી છે. અમે હવે તેમને રિપોર્ટ મોંકલાવી દીધો છે, તેઅો રિપોર્ટ તપાસીને રબાડા બાબતે નિર્ણય કરીને અમને જાણ કરશે.