મુંબઇ/નવી દિલ્હી : બીસીસીઆઇની વહીવટદારોની સમિતિ (સીઓએ)ઍ શુક્રવારે કિંગ્સ ઇલેવન પંજાબ પાસે તેના સહમાલિક નેસ વાડિયાને જાપાનમાં કેનાબિસ રાખવા માટે કરાયેલી સજા સંબંધે લેખિતમાં જવાબ માગ્યો છે. ઍવી માહિતી મળી છે કે હાલમાં સીઓઍ આ પ્રકરણને આઇપીઍલની નૈતિક સમિતિને નહીં સોંપે. આઇપીઍલની આચારસંહિતા અનુસાર ઍક ફ્રેન્ચાઇઝીને ઍવી પરિસ્થિતિમાં સસ્પેન્ડ કરી શકાય છે જ્યારે ટીમ સાથે સંબંધિત કોઇ ખેલાડી કે માલિક રમતને બદનામ કરતું કૃત્ય કરે.
શુક્રવારે મળેલી સીઅોઍની બેઠક અંગે માહિતી ધરાવનારા બીસીસીઆઇના ઍક વરિષ્ઠ અધિકારીઍ કહ્યું હતું કે સીઓઍ દ્વારા કિંગ્સ ઇલેવન પંજાબના મેનેજમેન્ટને આ બાબતે લેખિત જવાબ આપવા કહેવાયું છે. આ મામલે બધા સહમત છે કે આ ઘટના સાથે લીગને સીધી કોઇ લેવાદેવા નથી પણ વાડિયાની ધરપક્ડને કારણે ઍક ખરાબ ઇમેજ ઊભી થઇ છે. ઍકવાર કિંગ્સ ઇલેવન પોતાનો જવાબ આપી દેશે પછી સીઅોઍ નિર્ણય કરશે કે આગળ શું કરવાની જરૂર છે.
ઍવું પુછાયું કે આ કિસ્સાને નૈતિક અધિકારીઅોની સમિતિને કેમ ન સોંપાયો ત્યારે બીસીસીઆઇ અધિકારીઍ જવાબ આપ્યો હતો કે હવે અમારી પાસે જસ્ટિસ ડી કે જૈન તરીકે નૈતિક અધિકારી હાજર છે. જો જરૂર પડશે તો આ પ્રકરણ તેમને સોંપવામાં આવશે અને વધુ જરૂર પડશે તો અધિકારીઅો તેમની મદદ કરશે.