નવી દિલ્હી : દક્ષિણ આફ્રિકાઍ વર્લ્ડ કપ પહેલા અગમચેતીના કારણોસર ઇજાગ્રસ્ત કગિસો રબાડાને પાછો
બોલાવવાનો નિર્ણય કર્યો છે અને તેના કારણે હવે આઇપીઍલની બાકી બચેલી મેચોમાં રબાડા રમી શકશે નહીં.
રબાડાની પીઠમાં થયેલી સમસ્યાને કારણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચ તે રમી શક્યો નહોતો. હવે જ્યારે
મહત્વની મેચો બાકી રહી છે ત્યારે રબાડાનું આ રીતે પરત સ્વદેશ જવું દિલ્હી કેપિટલ્સ માટે મોટા ફટકા સમાન છે,
કે જે પહેલીવાર ટાઇટલ જીતવાની રેસમાં છે. રબાડાઍ પણ કહ્યું હતું કે મારા માટે આ તબક્કે સ્વદેશ જવું ઘણું
આકરું છે.
આઇપીઍલ ૨૦૧૯નો પર્પલ કેપ હોલ્ડર કગિસો રબાડાને પીઠમાં થયેલી સમસ્યા પછી ક્રિકેટ સાઉથ આફ્રિકા
(સીઍસઍ) દ્વારા તેને સ્વદેશ બોલાવી લેવાયો છે, ત્યારે આઇપીઍલની તેની ટીમ દિલ્હી કેપિટલ્સના કોચ રિકી
પોન્ટિંગે આ મામલે દુખ વ્યક્ત કર્યુ હતું. પોન્ટિંગે કહ્યું હતું કે હાલના સમયે રબાડા જેવો ખેલાડી જતો રહે તે
કમનસીબી છે, પણ મને વિશ્વાસ છે કે મારી ટીમ રબાડાની ગેરહાજરીમાં પણ જારદાર પ્રદર્શન કરીને પ્રથમવાર
ટાઇટલ જીતવામાં સફળ રહેશે.
