પોશેસ્ટ્રુમ : પાકિસ્તાનની મહિલા ટીમ અહીંના સેનવેસ પાર્કમાં રમાયેલી આઇસીસી વનડે ચેમ્પિયનશિપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 8 વિકેટથી હરાવ્યું અને બોલ બાકી રહેતા પાકિસ્તાને સૌથી મોટી જીત મેળવી હતી. આ મેચમાં પાકિસ્તાનની સના મીરે 11 રન આપીને દક્ષિણ આફ્રિકાની 4 ખેલાડીને આઉટ કરી હતી.
પાકિસ્તાનને ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો. બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સના મીરની ઘાતક બોલિંગને પગલે 22.5 ઓવરમાં 63 રન પર ઓલઆઉટ થઇ હતી. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમનો વનડેમાં બીજા લઘુત્તમ સ્કોર છે. તે પહેલાં તે 12 મી માર્ચ 2009ના રોજ ન્યુઝિલેન્ડ સામે 22.1 ઓવરમાં 51 રનમાં આ ટીમ ઓલઆઉટ થઇ હતી.
64 રનના લક્ષ્યની પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની મહિલા ટીમે માત્ર 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 66 રન બનાવી મેચ જીતી લીધી હતી. પાકિસ્તાની ટીમે મેચ 212 બોલ બાકી રાખીને જતવામાં સફળ થઇ હતી અને બોલ બાકી રાખીને જીત મેળવવાના મામલે આ તેમની સૌથી મોટી જીત છે.
અગાઉ પાકિસ્તાન મહિલા ટીમે વનડેમાં સૌથી મોટો વિજય આયરલેન્ડ સામે 10 જુલાઈ 2013ના દિવસે મેળવ્યો હતો. પાકિસ્તાનના આ વિજયમાં તેની ઝડપી બોલર સના મીર મહત્વની ભૂમિકા રહી હતી. સનાઍ 6 ઓવરમાં માત્ર 11 રન આપીને 4 વિકેટ લીધી. આ તેનું ત્રીજુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. સનાઍ પહેલા 9 ઑક્ટોબર 2010 ના રોજ આ જ મેદાન પર નેધરલેન્ડ સામે 32 રન આપી 5 વિકેટ લીધી હતી.