વિશાખાપટ્ટનમ : આઇપીઍલની ઍલિમિનેટર મેચમાં સનરાઇધઝર્સ હૈદરાબાદે માર્ટિન ગપ્તિલના 19 બોલમાં 36 તેમજ વિજય શંકર અને મહંમદ નબીની ટુંકી ઝડપી ઇનિંગથી મુકેલા ૧૬૩ રનના લક્ષ્યાંકને દિલ્હી કેપિટલ્સે પંતની તોફાની ઇનિંગની મદદથી ૮ વિકેટે આંબી લઇને બે વિકેટે વિજય મેળવી લીધો હતો, દિલ્હી કેપિટલ્સે હવે પ્રથમ ફાઇનલ પ્રવેશ માટે ચેન્નઇ સુપર કિંગ્સ સામે ૧૦મીઍ બાથ ભીડવી પડશે.
પૃથ્વીના 38 બોલમાં 56 રન પછી પંતે 21 બોલમાં 5 છગ્ગા સાથે 49 રન કરીને મેચનું પાસું પલટી નાંખ્યું
163 રનના લક્ષ્યાંક સામે દિલ્હીને પૃથ્વી શોઍ જારદાર શરૂઆત અપાવી હતી અને ધવન સાથે તેણે 66 રનની ભાગીદારી કરી હતી. ધવન 17 રન કરીને આઉટ થયો તે પછી શ્રેયસ ઐય્યર અને પૃથ્વી શોની વિકેટ નજીકના ગાળામાં પડતા સ્કોર 3 વિકેટે 87 રન થયો હતો. તે પછી 111 રન સુધીમાં દિલ્હીઍ મુનરો અને અક્ષર પટેલની વિકેટ ગુમાવી હતી. અહીંથી ઋષભ પંતે બાજી સંભાળીને ટીમને વિજય સુધી લઇ ગયો હતો. 19મી ઓવરમાં પંત 21 બોલમાં 5 છગ્ગા સાથે 49 રન કરીને આઉટ થયો ત્યારે ટીમ વિજયથી 5 રન દૂર હતી. અંતિમ ઓવરમાં અમિત મિશ્રા ઓબસ્ટ્રેકિંગ ધ ફિલ્ડ આઉટ થનારો પહેલો ખેલાડી બન્યો હતો. અંતે પૌલે મિડવિકેટ પર ચોગ્ગો ફટકારતા દિલ્હી 2 વિકેટે જીત્યું હતું.
પ્રથમ દાવ લેના ઉતરેલી હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી અને બોર્ડ પર 31 રન હતા ત્યારે રિદ્ધિમાન સાહા આઉટ થયો હતો. માર્ટિન ગપ્તિલે 19 બોલમાં 36 રનની ઝડપી ઇનિંગ રમી હતી. જો કે પાવરપ્લે પછી 7મી ઓવર પુરી થઇ ત્યારે ટીમનો સ્કોર 56 રન પર હતો તે સમયે ગપ્તિલ આઉટ થયો હતો. તે પછી મનીષ પાંડે અને કેપ્ટન કેન વિલિયમ્સન વચ્ચે 34 રનની ધીમી ભાગીદારી થઇ હતી. પાંડે 36 બોલમાં 30 રન કરીને આઉટ થયો જ્યારે વિલિયમ્સન 28 રન કરીને આઉટ થયો હતો. અંતિમ ઓવરોમાં વિજય શંકર અને મહંમદ નબીની ટુંકી ઇનિંગની મદદથી હૈદરાબાદ 162 રન સુધી પહોંચી શક્યું હતું.