જયપુર : મહિલા ટી-20 ચેલેન્જની બીજી મેચમાં બુધવારે અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ પર મિતાલી રાજની આગેવાની હેઠળની વેલોસિટી ટીમે સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે હરાવી હતી. ટ્રેલબ્લેઝર્સે પ્રથમ દાવ લઇને 6 વિકેટે 112 રન કર્યા હતા. જેની સામે વેલોસિટીઍ 18 ઓવરમાં 7 વિકેટે 113 રન કરીને મેચ જીતી લીધી હતી.
પ્રથમ દાવ લેનાર ટ્રેલબ્લેઝર્સની શરૂઆત ખરાબ રહી હતી અને ટીમે બોર્ડ પર 15 રન હતા ત્યારે ઇનફોર્મ કેપ્ટન મંધાનાની વિકેટ ગુમાવી હતી. તે પછી સૂઝી બેટ્સે 26 અને હરલીન દેઓલે 43 રનની ઇનિંગ રમી હતી. ટીમના 100 રન પુરા થયા ત્યાં સુધીમાં 17.3 ઓવર પુરી થઇ હતી. અને તે પછી 15 બોલમાં 2 વિકેટ ગુમાવીને તેઓ માત્ર 12 રન ઉમેરી શક્યા હતા. વેલોસિટી વતી ઍકતા બિષ્ટ અને ઍમેલિયા કેરે 2-2 જ્યારે શિખા પાંડે અને સુશ્રી પ્રધાને 1-1 વિકેટ ઉપાડી હતી.
વેલોસિટીને વિજય માટે માત્ર 2 રન ખુટતા હતા ત્યારે નાટ્યાત્મક ઢબે 5 વિકેટ ગુમાવતા રોમાંચ સર્જાયો
સરળ લક્ષ્યાંકનો પીછો કરતાં વેલોસિટીઍ 25 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી હતી, તે પછી ડેનિયેલા વ્યાટે 46 અને શેફાલી વર્માઍ 34 રનની ઇનિંગ રમીને ટીમનો વિજય નક્કી કરી લીધો હતો. ટીમનો સ્કોર બે વિકેટે 111 રન હતો અને વિજયથી તેઓ માત્ર 2 રન દૂર હતા ત્યારે 7 બોલના ગાળામાં નાટ્યાત્મક રીતે ઍકપણ રનના ઉમેરા વગર 5 વિકેટ ગુમાવતા સ્કોર 7 વિકેટે 111 રન થયો હતો તે પછી સુશ્રી પ્રધાને 2 રન લઇને ટીમને જીતાડી હતી.