લડન : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમીને ડેવિડ વોર્નર સાથે ઓપનીંગમાં ધમાલ મચાવનાર જોની બેયરસ્ટોએ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી કહ્યું હતું કે ભારતની આ લીગમાં રમવાથી રમતમાં ઘણો સુધારો થાય છે. તેણે એવું કહ્યું હતું કે આઇપીએલમાં રમીને ખેલાડી પોતાના અંગત કૌશલ્યને અલગ લેવલે લઇ જઇ શકે છે.
બેયરસ્ટોએ હૈદરાબાદ વતી રમીને 10 મેચમાં 445 રન બનાવ્યા હતા અને વોર્નર સાથે ઓપનીંગ ભાગીદારીનો રેકોર્ડ પણ કર્યો હતો. તેના ગયા પછી આઇપીએલ ચેમ્પિયન ટીમની બેટિંગ પર મોટી અસર પડી હતી. વોર્નર અને બેયરસ્ટો આ આઇપીએલની સૌથી જોખમી ઓપનીંગ જોડી સાબિત થઇ હતી
સ્કાઇ સ્પોર્ટસ ક્રિકેટે બેયરસ્ટોના હવાલાથી લખ્યું છે કે તમે આઇપીએલમાં જાઓ છો તમારી રમતમાં સુધારા માટે, તમારા કૌશલ્યને વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીની સામે રજૂ કરવા માટે. તેણે કહ્યું હતું કે આપણે જોયું કે ગત વર્ષે આઇપીએલમાં રમ્યા પછી જોશ બટલરે કેવી રીતે ટેસ્ટ ટીમમાં વાપસી કરી હતી. ત્યાં જે સ્પર્ધાત્મક માહોલ છે તેનાથી તમારા કૌશલ્યમાં ઘણો સુધારો થઇ શકે છે.