જયપુર : અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાયેલી મહિલા ટી-20 ચેલેન્જની ત્રીજી મેચમાં હરમનપ્રીત કૌરની સુપરનોવાએ જેમિમા રોડ્રિગ્સની અર્ધસદી પછી જોરદાર બોલિંગની મદદથી મિતાલી રાજની વેલોસિટીને 12 રને હરાવી હતી. જો કે મિતાલીની ટીમ આ પરાજય છતાં ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. જ્યારે હરમનપ્રીત કૌરની ટીમ પણ આ વિજય સાથે ફાઇનલમાં સ્થાન મેળવી ગઇ હતી. હવે આ બંને ટીમો વચ્ચે શનિવારે અહીં જ ફાઇનલ રમાશે,
સુપરનોવાઝની ટીમ બે મેચમાંથી એક હાર અને એક જીત સાથે બે પોઇન્ટ મેળવીને ત્રણ ટીમના પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહી હતી. જ્યારે વેલોસિટીની ટીમ પણ બે મેચમાંથી એકમાં જીત અને એકમાં હાર સાથે બે પોઇન્ટ લઇને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. જ્યારે ટ્રેલબ્લેઝર્સની ટીમ પણ બે મેચમાં એક જીત અને એક હાર સાથે બે પોઇન્ટ લઇને ત્રીજા સ્થાને રહી હતી. નેટ રનરેટના આધારે સુપરનોવાઝ અને વેલોસિટીની ટીમ ફાઇનલમાં સ્થાન મેળવી ગઇ હતી.