વિશાખાપટ્ટનમ : આઇપીઍલની બીજી ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સે મુકેલા 148 રનના લક્ષ્યાંકને ચેન્નઇ સુપર કિંગ્સે ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સનની અર્ધસદીના પ્રતાપે ૧૯મી ઓવરમાં જ 6 વિકેટે વટાવી લઇને 8મીવાર આઇપીઍલની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દિલ્હી કેપિટલ્સનો એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ ન રમી શકતાં તેઓ મોટો સ્કોર બનાવી શક્યા નહોતા.
ચેન્નઇ સુપર કિંગ્સને ફાફ ડુ પ્લેસિસ અને શેન વોટ્સને સારી શરૂઆત અપાવી હતી અને બંનેઍ મળીને 10.1 ઓવરમાં 81 રનની ભાગીદારી કરી હતી, ત્યારે ડુ પ્લેસિસ 39 બોલમાં 50 રન કરીને આઉટ થયો હતો. ડુ પ્લેસિસ આઉટ થયા પછી વોટ્સને પોતાના ખભા ઉંચક્યા હતા અને તેણે 31 બેલમાં પોતાની અર્ધસદી પુરી કરીને આઉટ થયો ત્યારે ચેન્નઇને મેચ જીતવા માટે 45 બોલમાં 39 રનની જરૂર હતી. તે પછી સુરેશ રૈના 11 રન કરીને આઉટ થયો હતો, અને જ્યારે માત્ર 2 રન બાકી હતા ત્યારે ધોની આઉટ થયો હતો જો કે 19મી ઓવરના અંતે ચેન્નઇઍ મેચ 6 વિકેટે જીતી લઇને 8મીવાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
બોલરોને ચતુરાઇથી ઉપયોગ કરીને ધોનીએ દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનોને ખભા ઉંચકવાની તક જ ન આપી
ટોસ જીતીને ધોનીઍ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી દિલ્હી કેપિટલ્સે ત્રીજી ઓવરમાં જ પૃથ્વી શોની વિકેટ ગુમાવતા તેમની શરૂઆત ખરાબ રહી હતી. તે પછી ધવન પણ આઉટ થઇ જતાં પાવરપ્લે પછી દિલ્હીનો સ્કોર 2 વિકેટે 41 રન હતો. ધોનીઍ પોતાના બોલરોનો ચતુરાઇ પૂર્વક ઉપયોગ કરતાં દિલ્હી કેપિટલ્સ નિયમિત સમયાંતરે વિકેટ ગુમાવતી રહી હતી. કોલિન મુનરો અને શ્રેયસ ઐય્યર ખરાબ શોટ મારીને આઉટ થયા હતા. ઍકમાત્ર પંતે ધીરજ ધરીને બેટિંગ કરીને 25 બોલમાં 38 રન કર્યા હતા અને તે 19મી ઓવરમાં આઉટ થયો ત્યારે સ્કોર 125 રન હતો. અંતિમ ઓવરમાં ઇશાંત શર્માઍ 3 બોલમાં 10 રન કરીને સ્કોરને 147 સુધી પહોંચાડ્યો હતો.