વિશાખાપટ્ટનમ : ઓસ્ટ્રેલિયાના માજી ઝડપી બોલર બ્રેટ લીના મતે હરભજન સિંહ પોતાની વધતી વય છતાં ખુબ જ આત્મવિશ્વાસથી બોલિંગ કરી રહ્યો છે. 38 વર્ષિય ઓફ સ્પિનર હરભજન હાલમા આઇપીએલની 12મી સિઝનમાં ચેન્નઇ સુપર કિગ્સનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. તેણે આઇપીએલની હાલની સિઝનમાં જોરદાર બોલિંગ પ્રદર્શન કર્યું છે અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં તેનો પણ મહત્વનો ફાળો રહ્યો છે. દિલ્હી સામેની બીજી ક્વોલિફાયર મેચમાં તેણે જોરદાર બોલિગ કરીને 31 રન આપી 2 વિકેટ ઉપાડી હતી.
ડાબોડી અને જમણેરી બેટ્સમેનો સામેની તેની બોલિંગ દર્શાવે છે કે તે કેટલો સારો બોલર છે : માઇક હેસન
બ્રેટ લીએ કહ્યું હતું કે હરભજન એ જાણે છે કે કયા બેટ્સમેનને કેવા પ્રકારની બોલિંગ કરવી જોઇએ. તેની બોલિંગ જોરદાર રહી અને મને તેની બોલિંગ ઘણી પસંદ પડી. આ બાબત એ દર્શાવે છે કે બોલ પર તેનો સારો અંકુશ છે અને તે આત્મવિશ્વાસ સાથે બોલિંગ કરે છે. ટુર્નામેન્ટમાં સર્વાધિક વિકેટ લેવા મામલે ત્રીજા નંબરે બેઠેલા હરભજન વિશે કિંગ્સ ઇલેવન પંજાબના કોચ માઇક હેસનનું કહેવું છે કે ડાબોડી અને જમણેરી બંને પ્રકારના બેટ્સમેનો સામેની તેની બોલિંગ એ દર્શાવે છે કે તે કેટલો સારો બોલર છે. તે બંને પ્રકારના બેટ્સમેનોને એલબીડબલ્યુ આઉટ કરી શકે છે.