લોકસભા ચૂંટણીનું પરિણામ આવે તે પહેલા જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી દીધી છે. ગુજરાત સરકાર મોટી ભરતી આગામી દિવસોમાં કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, રાજ્ય સરકાર વર્ષ 2019-20માં 35 હજાર પદોને ભરવા માટે નોટિફિકેશન બહાર પાડશે. આ 35 હજાર સરકારી નોકરીઓમાં મોટાભાગની જગ્યાઓ શિક્ષકો અને પોલીસની હશે. આ ઉપરાંત બોર્ડ નિગમોની સાથે સાથે ગ્રાન્ટેડ સંસ્થાઓની જગ્યાઓ પણ જલદી જ ભરવા રાજ્ય સરકાર તરફખી સૂચના આપી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી દરમિયાન બેરોજગારીના મુદ્દે કોંગ્રેસે સત્તાધારી પાર્ટી પર હુમલો કર્યો હતો. જો કે હવે આચાર સંહિતા ઉઠતાની સાથે જ રાજ્ય સરકારે ભરતી પ્રક્રિયા શરૂ કરવા એજન્સીઓને સૂચના આપી છે. રાજ્યમાં સરકારી આંકડા મુજબ, હાલ 4.16 લાખ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે અને દિવસેને દિવસે સ્થિત વધુ વિકટ બની રહી છે.
ઉલ્લેખનીય છે કે 2014માં 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું હતું અને 2.53 લાખ જગ્યા ભરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં 1.18 લાખ જગ્યાઓ ભરવામાં આવી છે. ડિસેમ્બર 2018સુધીમાં 50 ટકા જગ્યાઓ પણ હજી ભરાઇ નથી.
હાલ બેરોજગારી મુદ્દે યુવા વર્ગમાં ગુસ્સો નજર આવી રહ્યો છે જેને શાંત કરવા સરકાર તરફથી સતત પગલા લેવામાં આવે તેવી સંભાવના છે. રાજ્ય સરકારે પોલીસ, શિક્ષકો સહિત ક્લાસ-1 અને ક્લાસ-3ના ખાલી પદો ભરવા પ્રક્રિયા શરૂ કરીને ડિસેમ્બર 2020 સુધીમાં તમામને નિયુક્તિ પત્ર આપી દેવા માટે જણાવ્યું છે.