અગ્રણી ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મ Paytmમાં રૂ.10 કરોડથી વધારે રકમનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. આ કૌંભાંડની જાણ થતા જ કંપનીએ ઘણા કર્મચારીઓની હકાલપટ્ટી પણ કરી દીધી છે અને ઘણા સ્મોલ મર્ચન્ટ/વેપારીઓ/સેલર્સને પોતાના પ્લેટફોર્મથી હટાવી દીધા છે. આ વાત કંપનીના હેડ વિજયશેખર શર્મા એ જાતે જણાવી છે. કંપનીએ નાના દુકાનદારો અને સેલર્સને કુલ કેશબેકનો એક મોટો હિસ્સો મળ્યો હોવાની તપાસ કરી છે ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.
ફ્રીમાં સર્વિસ આપવાના બિઝનેસ મોડલ અંગે પૂછતા શર્માએ કહ્યું કેશબેક મોડલ ટકાઉપણું ધરાવે છે. દિવાળી બાદ અમારી ટીમે શોધી કાઢ્યું કે કેટલાંક સેલર્સને કુલ કેશબેકનો મોટો હિસ્સો મળી રહ્યો છે. આ બાબતની ઉંડાણપૂર્વક તપાસ કરવા અમે અમારા ઓડિટર્સને સુચના આપી હતી. આ કૌભાંડની તપાસ કરવા માટે કંપનીએ EYની સેવા લીધી છે. તપાસમાં બહાર આવ્યું કે કંપનીના કેટલાંક જુનિયર કર્મચારીઓએ વેપારીઓ સાથે સાંઠગાઠ કરી છે.
શર્માએ જણાવ્યુ કે, આ સમગ્ર કૌભાંડ ડબલ ડિજિટમાં છે જેની રકમ ચોક્કસપણે રૂ.10 કરોડથી વધારે હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે ગેરરીતિ આચરનાર કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવી છે તે ઉપરાંત મોટી સંખ્યામાં વેચાણકર્તાઓને તેમના પ્લેટફોર્મથી પણ હટાવી દેવામાં આવ્યા છે.
અમારા પ્લેટફોર્મ ઉપર માત્ર બ્રાન્ડેડ સેલર્સ જ હોય તેની અમે ખાતરી કરવા ઇચ્છીયે છીએ. તેમણે વધુમાં કહ્યું કે આ આકરાં પગલાંથી અમારા પ્લેટફોર્મ ઉપર સેલર્સ/વેપારીઓની સંખ્યા મોટી સંખ્યામાં ઘટી ગઇ છે પરંતુ તેનાથી ગ્રાહકોને વધારે સુદ્ગઠ અને ઉત્કૃષ્ઠ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકીશું.