લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા ચરણના મતદાનના અંતે વિવિધ એજન્સી દ્વારા જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ સ્પષ્ટ બહુમતી સાથે એનડીએ ગઠબંધન પુનઃ સત્તા પર આવશે એવી ધારણા વ્યાપક છે. કોંગ્રેસ પ્રેરિત ગઠબંધનનો દેખાવ એક્ઝિટ પોલના તારણો મુજબ સુધર્યો જણાય છે અને 2014ની સરખામણીએ બમણી બેઠકો મેળવે એવી ધારણા મોટાભાગના એક્ઝિટ પોલમાં વ્યક્ત થઈ છે. પરંતુ યુપીએ ગઠબંધનને સ્પષ્ટ બહુમતીના મેજિક ફિગરથી તો ક્યાંય દૂર હશે. ભાજપ કે કોંગ્રેસથી સમાન અંતર રાખીને ચૂંટણી લડેલા અન્ય પક્ષો પણ ધારણા કરતાં નબળો દેખાવ વ્યક્ત કરે એવું ચિત્ર એક્ઝિટ પોલમાં ઉપસી રહ્યું છે.
એક્ઝિટ પોલના પરિણામ
સર્વે/એજન્સી | ભાજપ+ | કોંગ્રેસ+ | સપા+બસપા | અન્ય |
સી વોટર-રિપબ્લિક | 287 | 128 | 40 | 87 |
જનની વાત- રિપબ્લિક | 305 | 124 | 26 | 87 |
વીએમઆર-ટાઈમ્સ નાઉ | 306 | 132 | 20 | 84 |
ન્યૂઝ નેશન | 286 | 122 | — | 134 |
ન્યૂઝએક્સ-નેતા | 242 | 164 | — | 136 |
ઈન્ડિયા ન્યૂઝ- પોલ સ્ટ્રેટ | 298 | 118 | 40 | 86 |
રાજ્યવાર એક્ઝિટ પોલના તારણો કેવા છે?: ચૂંટણી પ્રચાર અભિયાનના આરંભે એવું ચિત્ર જણાતું હતું કે ગુજરાત, મહારાષ્ટ્ર સહિત હિન્દીભાષી રાજ્યોમાં ભાજપે 2014ની સરખામણીએ મસમોટું નુકસાન ખમવું પડશે. તેની સામે ઓરિસ્સા, પ.બંગાળમાં ભાજપ થોડોક ફાયદો મેળવી શકશે. હવે તમામ સાત ચરણનું મતદાન સંપન્ન થયા પછી મોટાભાગના એક્ઝિટ પોલના તારણો એવું જણાવે છે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા ભાજપના ગઢ ગણાતાં રાજ્યોમાં મોદીમેજિક યથાવત રહેશે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવસેના પોતાની સર્વોપરિતા જાળવી રાખશે. ઉત્તરપ્રદેશમાં સપા-બસપાના મહાગઠબંધન સામે ભાજપની પીછેહઠ જરૂર થશે પરંતુ એ નુકસાન ધારણાં કરતાં ઓછું યાને 25-30 બેઠકો જેટલું રહેવાનું એક્ઝિટ પોલમાં વર્તાય છે. તેની સામે ઓરિસ્સા અને પ.બંગાળમાં ભાજપ પોતાનો દેખાવ સુધારશે અને 2014ની સરખામણીએ 20-25 બેઠકો વધુ મેળવશે.