ઍક સમયે વર્લ્ડકપની સૌથી ખતરનાક ટીમ ગણાતી વેસ્ટઇન્ડિઝની ટીમના પ્રદર્શનનો ગ્રાફ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત નીચે ઉતર્યો છે. જા કે આ વખતના વર્લ્ડકપમાં આન્દ્રે રસેલ સહિતના ટીમના પાવર હિટર્સ ઇંગ્લેન્ડમાં યોજનારા ક્રિકેટના મહાકુંભમાં તેને ડાર્ક હોર્સ સાબિત કરી શકે છે. યુનિવર્સલ બોસ તરીકે જાણીતો ક્રિસ ગેસ ભલે આઇપીઍલમાં તેના પરિચિત ફોર્મમાં ન દેખાયો હોય, પણ રસેલે જે રીતે પોતાની બેટ વડે તોફાન મચાવ્યું હતું, તેનાથી વિશ્વભરના બોલરોમાં તેની ધાક બોલાઇ હશે.
રસેલ ઉપરાંત કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો પણ ટીમમાં છે, આ ઉપરાંત યુવા શિમરોન હેટમાયર તેમજ શાઇ હોપ પણ પાવર હિટીંગ કરી જાણે છે અને આ બધાના જારે તેઓ કોઇપણ ટીમને અપસેટ કરી શકે તેમ છે. બ્રાવો અને પોલાર્ડ પણ ટીમના રિઝર્વ ખેલાડી તરીકે છે ત્યારે વેસ્ટઇન્ડિઝની ટીમ તેનો ખોવાયેલો આત્મવિશ્વાસ પાછો મેળવીને રેન્કિંગમાં તેનાથી ઉપલા ક્રમની ટીમોને છક્કડ ખવડાવી શકે તેમ છે. ઇંગ્લેન્ડના નાના મેદાન અને સપાટ પીચો કેરેબિયન પાવર હિટરોને ઘણી માફક આવશે અને તેઓ અપસેટ સર્જવા માટે તૈયાર છે.
