સૌરાષ્ટ્રની 7 બેઠક પર સવારે 8 વાગ્યાથી જ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજકોટમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. જ્યારે અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી આગળ ચાલી રહ્યાં છે. ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) આગળ ચાલી રહ્યાં છે. તો જામનગરમાં મીડિયાને કેમેરા અંદર ન લઈ જવા દેવાતા મીડિયાકર્મીઓએ કેમેરા બાર મુકીને વિરોધ નોંધાવ્યો છે. મીડિયા રૂમમાં ખાલી બેસવાની જ વ્યસ્થા કરવામાં આવી છે. જૂનાગઢમાં સવારથી સર્વર ડાઉન હોવાથી ખુબ જ ધીમી ગતિએ મતગણતરી ચાલી રહી છે. રાજકોટમાં વોર્ડ નંબર 7માં EVM બદલાયા હોવાનો કોંગ્રેસના રણજિત મૂંધવાએ આક્ષેપ કર્યો છે અને કોંગ્રેસ દ્વારા મતગણતરી અટકાવવામાં આવી છે.
કોણ આગળ?
- રાજકોટમાં મોહન કુંડારિયા(BJP)ને 2,93,218 મતથી આગળ
- જામનગરમાં પૂનમ માડમ(BJP) 109848 મતથી આગળ
- પોરબંદરમાં રમેશ ધડુક(BJP) 1,24,596 મતથી આગળ
- જૂનાગઢમાં રાજેશ ચૂડાસમા(BJP) 95773 મતથી આગળ
- ભાવનગરમાં ભારતીબેન શિયાળ(BJP) 84963 મત સાથે આગળ
- સુરેન્દ્રનગરમાં મહેન્દ્ર મુંજપરા(BJP) 52493 મતથી આગળ
- અમરેલીમાં ભાજપના નારણ કાછડિયા 28196 મતથી આગળ
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી ચાલુ
જોવામાં આવે તો સૌરાષ્ટ્રની અમરેલી અને જૂનાગઢ બેઠક પર કાંટે કી ટક્કરની સ્થિતિ છે. રાજકોટમાં કણકોટમાં આવેલી ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે 14 ટેબલ પર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે મુખ્યમંત્રીની બેઠક રાજકોટ પશ્ચિમ વિધાનસભા પર 2,13,166 લોકોએ મતદાન કર્યું હતુ. જ્યારે સૌથી ઓછું મતદાન કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના વિસ્તારમાં 1,27,793 લોકોએ કર્યું છે. રાજકોટ લોકસભા બેઠક પર કુલ 63.14% મતદાન થયું છે.
બુકીઓના મતે ભાજપ 8માંથી 1 બેઠક ગુમાવશે
આજે લોકસભા ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, ત્યારે એક્ઝિટ પોલે જાણે પરિણામ જ આપી દીધા હોય તે રીતનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ કોંગ્રેસ આ પોલને પોલમ પોલ ગણાવી રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી બેઠકમાં કોંગ્રેસના વિપક્ષ નેતા ધાનાણીની શાખનો સવાલ છે, તે સિવાય જુનાગઢ અને પોરબંદરમા કસોકસનો જંગ છે. ધાનાણી જીતે તો એક બેઠક કોંગ્રેસ કબ્જે કરવામાં સફળ થશે. બુકી બજારમાં પણ સૌરાષ્ટ્રમાંથી 1 જ બેઠક એવી છે કે ત્યાં કમળ ન ખીલવાના સંજોગો ઉજળા છે.
અમરેલીમાં ધાનાણીની શાખ દાવ પર, જીતની પણ શક્યતા
અમરેલીમાં મોદી વેવ વચ્ચે પણ ભાજપે વિધાનસભાના પરિણામોમાં ભાજપે થપાટ ખાધી હતી. સાત વિધાનસભામાં 5 બેઠકો કોંગ્રેસના ફાળે ગઇ હતી. હવે લોકસભામાં કોંગ્રેસ પાસે યુવા ચહેરો અને વિપક્ષ નેતા અને લો પ્રોફાઇલની છાપ ધરાવતા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા ધાનાણી છે. સામે ભાજપે નારણ કાછડીયા પણ રિપીટ છે. ગામડાઓ અને સ્થાનિક મતદારો સરકારના પાક વીમો અને પાણી જેવા મુદે પરેશાન હતા તેને મતદાન ક્યા મુદાને ધ્યાને રાખીને આપ્યુ તે જોવુ રહ્યું.
જુનાગઢમાં ભાજપ માટે જોખમ, જીતશે તો પણ લીડ ધટશે
જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપે રિપિટ કરી જોખમ તો લીધું જ છે. તેની સામે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પુંજા વંશને મેદાનમાં ઉતાર્યાં છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સમય આવ્યે લોકો વચ્ચે નથી જતા તેવો મતદારોમાં રોષ છે. જેથી તેને મોદી મેજીક પર આધાર રાખવો પડે તેમ છે. કોંગ્રેસ આતંરિક જૂથવાદ ભૂલીને લડી હોય તો ઉજળી તકો દેખાઇ રહી છે. ભાજપ જીતશે તો તે ગત ટર્મની લીડ જાળવી નહીં શકે તે કહેવું ઘટે. આ બેઠક પર કાંટે કી ટક્કર જોવા મળી રહી છે.
પોરબંદરમા નવોદિતને અનુભવી વસોયાએ ટક્કર આપી
પોરબંદર બેઠક ભાજપ અને વિઠ્ઠલ રાદડિયાનો ગઢ કહેવાય છે, પરંતુ આ વખતે વિઠ્ઠલભાઇ ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી ગોંડલના ઉદ્યોગપતિ અને રાજકારણમાં નવોદિત ગણાતા રમેશ ધડુકને ટિકીટ મળી હતી. સામે વિઠ્ઠલ રાદડિયાના શિષ્ય અને કોંગ્રેસના ધારસભ્ય લલિત વસોયાએ ભાજપને હંફાવી તો દીધો છે. ધોરાજીના ધારસભ્ય લલિત વસોયા પાટીદાર છે. તેની સામે ધ઼ડુક પણ પાટીદાર છે. પરંતુ લલિત વસોયા રાજકીય દાવપેચના અનુભવી છે. આ બેઠકનું પરિણામ ધાર્યાં મુજબ ન આવે તેનું પણ બની શકે રમેશ ધડુક ભાજપની જુની લીડ જાળવી શકે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
જુનાગઢ-અમરેલી બેઠકની રાષ્ટ્રીય નેતાઓએ ચોકીદારી કરી
અમરેલી અને જુનાગઢ બેઠક બચાવવા રાષ્ટ્રીય નેતાઓના સતત આંટાફેરા વધી ગયા હતા. જેમાં રાહુલે 16 એપ્રિલે ભાવનગરના મહુવાના છેવડાના ગામે સભા કરી હતી. જેમાં અમરેલી, જુનાગઢની બેઠકને ફાયદો થાય તે રીતનું લોકેશન રાખવામાં આવ્યું હતું, ત્યારે ફરી વંથલીમાં રાહુલ ગાંધીની સભા યોજાઈ. નરેન્દ્ર મોદીએ 10 એપ્રિલે જુનાગઢમાં સભા કરી હતી અને ફરી એક વખત અમરેલીમાં સભા કરી હતી. આ સિવાય અમિત શાહે કોડીનારમાં સભા કરીને જુનાગઢ બેઠકને સાચવી લેવા ભાજપના સ્થાનિકોને ટકોર કરી હતી. તેમાં પણ રૂપાણી અને વાઘાણી તો ચાલતા ચાલતા જુનાગઢ બેઠક બચાવવા સભાઓ કરી જતા જોવા મળ્યા હતા. આ બેઠક પર વિધાનસભામા કોંગ્રેસ મજબૂત રહ્યું હતું. તેનુ પુનરાવર્તન ન થાય તે માટે ભાજપે એડીચોટીનુ જોર લગાવ્યું હતું.
રાજકોટ,જામનગર,ભાવનગરમાં પરિણામ પહેલા જ ભાજપને રાહતનો શ્વાસ
સૌરાષ્ટ્ર ભાજપને પરિણામ પહેલા જ રાજકોટમા મોહન કુંડારિયા, જામનગરમા પૂનમ માડમ, ભાવનગરમા ભારતીબેન શિયાળ જીતે તેનો પુરો વિશ્વાસ છે. આમ ભાજપે પરિણામ પહેલા જ રાહતનો શ્વાસ લઇ લીધો છે. આ બેઠકો પર તમામ સાંસદને રિપીટ કરાયા છે. પરંતુ ગત ટર્મના લીડનો પોતાનો જ રેકર્ડ કોઇ તોડી શકશે તેવું પણ માનવામા આવી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં ભાજપ માટે મુશ્કેલી
ભાજપે અહીં દેવજી ફતેપરાનું પત્તું કાપીને નવોદિત ડો. મહેન્દ્ર મુંજપરાને મેદાનમાં ઉતાર્યા છે. રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા ડો. મુંજપરા તબીબ તરીકે આ વિસ્તારમાં ખાસ્સા લોકપ્રિય છે. જ્યારે તેની સામે કોંગ્રેસે સોમા ગાંડા પટેલને ઉતાર્યાં છે. સુરેન્દ્રનગર મતવિસ્તારના એક એક ગામમાં જાણીતા સોમાભાઈ રીઢા રાજકારણી છે. દરેક સ્તરની ચૂંટણી લડી ચૂક્યા છે. સગવડતા મુજબ પક્ષપલટા ય કરતાં રહ્યા છે. તળપદા કોળી હોવા ઉપરાંત અન્ય સમાજના મતો મેળવવામાં પણ તેઓ માહેર છે. 1991માં સોમા ગાંડા-ભાજપ, 1996માં સનત મહેતા- કોંગ્રેસ, 1998માં ભાવનાબેન દવે- ભાજપ, 1999માં સવસી મકવાણા-કોંગ્રેસ, 2004માં ફરી ભાજપમાંથી સોમા ગાંડા, 2009માં ફરી સોમા ગાંડા પરંતુ કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા અને 2014માં ભાજપ એવો ક્રમ રહ્યો છે. આમ આ બેઠક જીતવી ભાજપ માટે મુશ્કેલ છે. વિધાનસભા સીટો એવી ચોટીલા, દસાડા, ધંધુકા વિસ્તારમાં કોળી સમાજનું પ્રભુત્વ છે. વિરમગામમાં ઠાકોર અને પાટીદારના મતો વધુ છે. જોકે લોકસભામાં મોટાભાગે કોળી ઉમેદવાર જ અહીંથી જીતતા રહ્યા છે.
કચ્છ બેઠક પર ભાજપનો વિજય લગભગ નક્કી!
કચ્છ બેઠક પર ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નરેશ એન.મહેશ્વરી લડી રહ્યા છે. ભૂકંપ પછી નરેન્દ્ર મોદીના મુખ્યપ્રધાનપદે અહીં ઔદ્યોગિક પ્રગતિ અને પ્રવાસનમાં આવેલાં ઉછાળાને લીધે કચ્છ ભાજપનો ગઢ ગણાય છે. વિનોદ ચાવડા સામે નિષ્ક્રિયતા અને ખાસ તો ભાજપના સંગઠન સાથે તાલમેલના અભાવની વ્યાપક ફરિયાદો હતી. તેમ છતાં અન્ય પ્રભાવશાળી ઉમેદવાર ન હોવાથી ભાજપે ફરીથી વિનોદ ચાવડાને રિપિટ કર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના નરેશ મહેશ્વરીનો મહેશ્વરી સમાજ પર પ્રભાવ હોવાથી સ્થાનિક સ્તરે સક્રિય અને જનતા સાથે સીધો સંપર્ક ધરાવે છે. તેમજ રાહુલ ગાંધી પણ ભૂજમાં સભા કરી ચૂક્યા છે. હવે રાહુલ ગાંધીની સભાથી કોંગ્રેસને કેટલો ફાયદો થાય છે તે જોવું રસપ્રદ રહશે. પરંતુ આ વિસ્તારમાં પક્ષ તરીકે કોંગ્રેસનો જનાધાર પાંખો છે એ જોતાં ઉમેદવારે પોતાના દમ પર ચૂંટણી જીતવાની રહે છે. જો કે આ બેઠકનો ચૂંટણીજંગ લગભગ એકપક્ષી બની રહેશે.