ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ વનડે ઇન્ટરનેશનલમાં 500 રન કરનારી વિશ્વની પહેલી ટીમ બની શકે છે. ઇંગ્લેન્ડના નામે પહેલાથી જ વનડેમાં સર્વાધિક સ્કોરનો રેકોર્ડ નોંધાયેલો છે. ટીમે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ 6 વિકેટે 481 રનનો વિક્રમી સ્કોર બનાવ્યો હતો. વર્લ્ડ કપ પહેલાની કેપ્ટનોની પ્રેસ કોન્ફરન્સમાં વિરાટને સવાલ પુછાયો હતો કે શું આગામી ટુર્નામેન્ટમાં 500 રનના આંકડાને સ્પર્શી શકાશે કે કેમ, ત્યારે વિરાટે પોતાની સાથે બેઠેલા ઇયોન મોર્ગન ભણી ઇશારો કરીને કહ્યું હતું કે હું માત્ર એટલું કહી શકું છું કે એ આ લોકો પર નિર્ભર કરે છે. એવું લાગે છે કે આ લોકો અન્ય કોઇ પહેલા 500ના આંકડા સુધી પહોંચવા માટે આતુર છે.
કોહલીએ એવું પણ સ્વીકાર્યું હતું કે આ વખતે વર્લ્ડ કપમાં રનનો ઢગલો જોવા મળી શકે છે, પણ વર્લ્ડ કપમાં રમવાના પ્રેશરનેં કારણે ક્યારેક 260-270નો ટાર્ગેટ ચેઝ કરવો પણ અઘરો બની શકે છે. તેણે કહ્યું હતું કે આ ટુર્નામેન્ટ મોટા સ્કોર વાળી ટુર્નામેન્ટ બની રહેશે, પણ મે સ્વદેશમાં પણ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં 260-270 રનનો પીછો કરવો પણ 370-380 રનનો પીછો કરવા જેટલું મુશ્કેલ બની રહેશે. ભારતીય કેપ્ટને એવી આશા વ્યક્ત કરી હતી કે ટુર્નામેન્ટની શરૂઆતમાં ટીમો વધુ સતર્ક રહેશે.
એરોન ફિન્ચે ઇંગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયાને મજબૂત દાવેદાર ગણાવ્યા
વર્લ્ડ કપ 2015 જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમનો હિસ્સો રહેલા હાલના ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચને પણ આ જ સવાલ પુછાયો ત્યારે તેણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે જોશો તો ઇંગ્લેન્ડનો સ્કોર સતત ઉપરની તરફ જઇ રહ્યો છે. અમારી સામે તો તેમણે સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જો કે હું એ નથી કહેવા માગતો કે સૌથી પહેલા આ આંકડે કોણ પહોંચશે. ફિન્ચે ઇંગ્લેન્ડ અને ટીમ ઇન્ડિયાને મજબૂત દાવેદાર ગણાવ્યા હતા, પણ આ ટુર્નામેન્ટ ઘણી સ્પર્ધાત્મક રહેશે, કારણકે તમામ ટીમોએ એકબીજા સામે ઓછામાં ઓછી એક મેચ રમવાની છે.