વર્લ્ડ કપ પુર્વેની વોર્મ અપ મેચમાં રવિવારે બંને મેચ વરસાદે ધોઇ નાંખી હતી, જો કે ઍકતરફ પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં ટોસ સુદ્ધા ઉછાળી શકાયો નહોતો, જ્યારે દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડિઝ વચ્ચેની મેચમાં તો દક્ષિણ આફ્રિકાઍ 12.4 ઓવરમાં વિના વિકેટે 95 રન બનાવી લીધા પછી મેચ પડતી મુકવામાં આવી હતી.
દક્ષિણ આફ્રિકા- વેસ્ટઇન્ડિઝ વચ્ચેની પ્રેકિટસ મેચ વરસાદને કારણે મેચ પડતી મુકાઇ ત્યારે અમલાના 51 અને ડિ કોકના 37 રનની મદદથી દક્ષિણ આફ્રિકાઍ વિના વિકેટે 95 રન કર્યા હતા
ટોસ જીતીને વેસ્ટઇન્ડિઝે ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યા પછી ત્રણ વાર વરસાદે વિઘ્ન નાંખ્યું હતું. પહેલા 8.2 ઓવર નખાઇ હતી ત્યારે વરસાદે પડતા મેચ અટકી હતી અને તે પછી 1.1 ઓવર બોલિંગ થઇ ત્યારે ફરી વરસાદે વિઘ્ન નાંખ્યુ હતું, તે પછી જ્યારે ત્રીજીવાર 3.1 ઓવર બોલિંગ થઇ ત્યારે વરસાદ પડતા મેચ પડતી મુકવાનો નિર્ણય લેવાયો હતો. મેચ પડતી મુકાઇ ત્યારે હાશિમ અમલા 51 અને ક્વિન્ટોન ડિ કોક 37 રને રમતમાં હતા અને દક્ષિણ આફ્રિકાઍ વિના વિકેટે 95 રન કર્યા હતા.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની વોર્મઅપ મેચ ટોસ થયા વગર જ પડતી મુકી દેવાઇ
30મીથી શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપ પહેલા વોર્મ અપ મેચ શરૂ થઇ છે. જો કે વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વની ઍવી આ વોર્મ અપ મેચમાં અહીં હવામાને પાકિસ્તાન અને બાંગ્લાદેશની તૈયારીમાં વિઘ્ન નાંખ્યું હતું. બંને વચ્ચેની વોર્મ અપ મેચ ટોસ થયા વગર જ પડતી મુકી દેવામાં આવી હતી. હવે પાકિસ્તાન ટુર્નામેન્ટમાં સીધુ રમવા ઉતરશે, જ્યારે બાંગ્લાદેશ અહીં ભારતીય ટીમ સામેની મંગળવારે રમાનારી પોતાની બીજી પ્રેક્ટિસ મેચ રમવા માટે અહીં જ રોકાશે. ઍ ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપમાં સેમી ફાઇનલ અને ફાઇનલમાં જ અનામત દિવસ રાખવામાં આવ્યા છે. આ સિવાયની લીગ મેચમાં કોઇ અનામત દિવસ રખાયો નથી.